સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

આટકોટ પાસે કારમાંથી બોટાદના ત્રણ શખ્સો ૪૮ હજારના ગાંજા સાથે ઝડપાયા : ફરી એકવાર સુરતની લિન્ક ખૂલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૬ : આટકોટ પાસેથી એસઓજીએ કારમાંથી ગાંજા સાથે દિવ્યેશ ઉર્ફે પિન્ટુ ભુપતનાથ નાથજી (ઉ.વ.૧૯) રઘુપતિનગર કેરીયા રોડ અમરેલી મુળ ગામ બોટાદ અને ઇકબાલ જબાભાઇ ખરાણી બોટાદ તથા વિપુલ ગોવિંદ પલાણીયા રહે. બોટાદવાળાને ઝડપી લીધો છે. એસઓજીના પીઆઇ અજયસિંહ ગોહિલે આટકોટ રોડ પર મારૂતી કાર અટકાવી તલાસી લેતા સીટ નીચેથી ૧ કિલો ૯૮૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા ત્રણેય આરોપીની અટકાયત કરી હતી પ્રાથમિક પુછપરછમાં આરોપીએ એવી કબુલાત આપી કે તેઓ ગંજેરી છે અને પીવા તથા વહેંચવા માટે સુરતથી આ ગાંજાના જથ્થો લઇ આવ્યા હતા. સુરતથી કોઇ કામ હોવાથી રાજકોટમાં આવ્યા હતા અને બાદમાં બોટાદ જતી વખતે પોલીસની ઝપટે ચડયા હતા પોલીસે કાર, ગાંજા, મોબાઇલ ફોન મળી ૪૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગના ગાંજાના કેસોમાં સપ્લાયર તરીકે સુરતની લીંક ખુલ્લે છે સુરતમાં રેલ્વે ટ્રેક આસપાસ કેટલાંય પરપ્રાંતિય મોટાપાયે ગાંજાનો વેપલો કરે છે. ખરીદનારાઓને તેમના નામ પુરા સરનામા ખબર રહેતા ન હોવાથી મોટાભાગે પકડાતા નથી.

પટવા ગામે સળગી જતા મોત

રાજુલા તાલુકાના પટવા ગામે રમેશભાઇ બેચરભાઇ ગુજરીયાને ગત તા. ર૩/૦૧ ના બહાર ગામ જવુ હોય, પત્નિ વિજુબેનને પણ સાથે આવવા જણાવેલ અને તેમણે પતિને પણ જવાનીના કહેલ, પતિ રમેશભાઇએ બહાર જવાનું કહેતા લાગી આવતા વિજુબેન રમેશભાઇ ગુજરીયા (ઉ.વ.૩પ) પોતાના શરીરે કેરોસીન છાંટી સગળી જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પતિ રમેશભાઇને પીપાવાવ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

દલખાણીયામાં ધમકી આપી

દલખાણીયા સીમમાં સંજયભાઇ કનુભાઇ પટોળીયા (ઉ.વ.૩૪) તેમજ બાલુ અવસળ પટોળીયાની જમીન એક જ શેઢે આવેલ હોય, સંજયભાઇ જમીનના શેઢે થાંભલા ખોડી કોઇ ઢોર કે જનાવર વાડીમાં ન આવે તે માટે તાર બાંધતા સારૂ નહીં લાગતા બાલુ અવસળ પટોળીયા, વિનુ અવસળ પટોળીયાએ લાકડી વડે મારમારી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોસ્ટલ બેલેટથી મતદાન

અમરેલી જિલ્લા સહિત રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમરેલી જિલ્લાના ચુંટણીતંત્ર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગ રૂપે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ એનઆરઆઇ સહિતના લોકો મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા રાખી છે તે મુજબ અમરેલી જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાન થઇ રહ્યું છે તે મતદાનના દિવસ સુધી ચાલશે જો કે મતદાન કટલું થયું છે તે તો ચૂંટણી દિવસે જાણવા મળશે પણ હાલ પોસ્ટલ મતદાન વેગવંતુ બન્યુ તેમ જાણવા મળ્યું છે.

ચૂંટણી પ્રચાર શાંત

રાજયનાં ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજનય સંસ્થાઓની ચૂંટણી અંગે જાહેર થયેલા કાર્યક્રમ મુજબ મતદાનના ૪૮ કલાક પહેલા નિયમઅનુસાર પ્રચાર પડઘમ બંધ કરવા પડે છે. આગામી રવિવારે જિલ્લા પંચાય, ૧૧ તાલુકા પંચાયતો અને પ નગર પાલીકાઓની ચૂંટણીમાં મતદાન છે. તેથી ચૂંટણી તંત્ર દ્વારા આદેશ મુજબ આજે રાતથી જ પ્રચાર પડઘમ શાંત થશે અને ભુંગળાઓ બંધ થશે. અને હવે અંતિમ રાઉન્ડમાં રાજકીય પક્ષો ડોર ટુ ડોર લોક સંપર્ક કરશે. ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન અંગે તડામાર તૈયારીઓ સાથે જડબે સલાક વ્યવસ્થા થઇ રહી છે.

શેત્રુંજી નદીમાં રેતી ચોરી

અમરેલી તાલુકાના ગોખરવાળા નજીક શેત્રુંજી નદીમાં કોઇ પાસ પરમીટ રોયલ્ટી વગર રેતી ચોરી કરતા મહેશ લાખા ધાધલ, અજય ભાવેશ ડાભી, મહેશ મનસુખ મકવાણાને હે. કોન્સ. કનાભાઇ સાંખડે ટ્રેકટર ટ્રોલી અને રેતી મળી રૂ. ૬,૦૧,પ૦૦/- ના મુદ્દામાલ સાથે તેમજ શાને અબ્બાસ કાસમ બુખારીને ટ્રેકટર ટ્રોલી અને રેતી માળી રૂ. ર,પ૦,પ૦૦/- ના મુદ્દામાલ સાથે પો. કોન્સ. મેહુલભાઇ મકવાણાએ ઝડપી પાડેલ. જયારે રાકેશ પરસોતમ સેજાણીને ટ્રેકટર ટ્રોલી રેતી મળી રૂ. ર,પર,૦૦૦/- મુદ્દામાલ સાથે પો. કોન્સ. મેહુલભાઇ મકવાણાએ ઝડપી પાડયા હતા. જયારે અશોક બચુ ચૌહાણ, મહેબુબ બેલીમને ટ્રેકટર ટ્રોલી અને રેતી મળી રૂ. ૪,૦૧,પ૦૦/- ના મુદ્દામાલ સાથે મેહુલભાઇ મકવાણાએ ઝડપી પાડયા હતા.

ધજડીની સગીરાને ભગાડી

ધનડી ગામે રહેતી સગીરાને જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામના હરિ રવજી સોલંકી નામનો શખ્સ ભગાડી ગયાની સગીરાના પિતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:04 pm IST)