સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

ભારત - પાક સરહદે હરામીનાળા કીક વિસ્‍તારમાં ભારે પવનમાં પાકિસ્‍તાની માછીમારી બોટ તણાઇ આવી

માછલી પકડવાની જાળ, તેના સાધનો સિવાય કશું શંકાસ્‍પદ ન મળતા રાહત : BSFએ બોટનો કબ્‍જો લીધો

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : ભારત પાકિસ્‍તાનની સરહદે હરામીનાળા ક્રીક વિસ્‍તારમાં ફૂંકાતા ભારે પવનમાં પાકિસ્‍તાની માછીમારી બોટ તણાઈ આવતાં સીમા સુરક્ષા દળની ટુકડીએ બોટનો કબજો લીધો હતો. પીલર નંબર ૧૧૬૫ પાસે આ બોટ મળી આવી હતી, કોઈ વ્‍યક્‍તિ પકડાઈ ન હતી જયારે બોટમાંથી કોઈ સંદિગ્‍ધ વસ્‍તુઓ મળી ન હતી.
૨૫મી મેના સવારે ૭.૩૦ વાગ્‍યાના અરસામાં બોર્ડર સિક્‍યોરિટી ફોર્સની ટુકડી હરામીનાળાના પીલર નંબર ૧૧૬૪ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી ત્‍યારે પીલર નંબર ૧૧૬૫ પાસે પાકિસ્‍તાની માછીમારી બોટ દેખાઈ હતી. બોટ જોવાતાં બીએસએફના જવાનો દલદલમાં પગપાળા જઈને બોટ પાસે પહોંચ્‍યા હતા. ભારતીય સીમામાં પીલર નંબર ૧૧૬૫ની ૧૦૦ મીટર અંદર આ માછીમારી હોડી પડી હોવાથી તેને જપ્ત કરવામાં આવી હતી. બીએસએફની અખબારી યાદી મુજબ તેજ હવાના કારણે પાકિસ્‍તાન બાજુથી આ હોડી તણાઈને ભારતીય ક્રીક વિસ્‍તારમાં આવી હોવાનું અનુમાન છે. બોટની તલાશી લેતાં તેમાંથી માછલી પકડવાની જાળ અને તેના સાધનો સિવાય કોઈ સંદિગ્‍ધ વસ્‍તુઓ મળી આવી ન હતી.

 

(11:48 am IST)