સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

કચ્છમાં ત્રણ સ્થળોએ આગ : ભુજ, ભચાઉ, આદિપુરમાં આગના બનાવથી લોકોના જીવ પડીકે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : કચ્છમાં એક જ દિ'માં ત્રણ અલગ અલગ સ્થળોએ લાગેલા આગના બનાવે લોકોમાં ભય સજર્યો હતો. ભુજના રહેણાંક વિસ્તાર આઇયાનગર મધ્યે લેઝીઝ પીઝા રેસ્ટોરન્ટના કિચનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેને કારણે બાજુમાં આવેલ ગોડાઉન તેમ જ અન્ય ફલેવર્સ રેસ્ટોરન્ટ સુધી આગ પહોંચતાં ધુમાડાના ગોટે ગોટા સાથે આગે ભીષણ રૂપ લીધું હતું. જેના પગલે બાજુમાં આવેલ હોસ્પિટલ તેને અડીને આવેલ સોસાયટી તેમ જ બીએસએફ કેમ્પસ સુધી આગના ગોટેગોટા દેખાયા હતા.

લોકોમાં ફેલાયેલા ભય, ચિંતા અને ઉચાટ વચ્ચે ભુજ પાલિકાના ફાયરફાઈટરોએ સતત ચાર કલાક મહેનત કર્યા બાદ આગ કાબુમાં આવી હતી. સદભાગ્યે જાનહાનિ ટળી હતી. પરંતુ, રહેણાંક સોસાયટીમાં આવેલ રેસ્ટોરન્ટ, ગોડાઉન અને તેમાં રહેલા ગેસ સિલિંડરોના કારણે લોકો સતત ટેન્શનમાં હતા. હોટલ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કિચને વધુ ભય સજર્યો હતો. બીજા બનાવમાં ભચાઉના વાંઢીયા ગામે કમલા ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી હતી.

તેલ, સાબુ બનાવતી આ કંપનીમાં શોર્ટ સર્કિટ ના કારણે લાગેલી આગમાં ઓઇલ ભરેલા બેરલમાં ભડકા સાથે ધડાકા થતાં ઓઇલ કામદારો ઉપર પડતાં ૬ જણ દાઝી ગયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જયાં એકની હાલત ગંભીર છે. ત્રીજા બનાવમાં આદિપુર મધ્યે વિદ્યુત ટ્રાન્સફોર્મર કંપનીમાં આવેલ વાડામાં આગ લાગતાં ઓઇલ, વાયર વગેરે સળગ્યા હતા. આગ ના કારણે ધુમાડા નીકળતા અહી રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. સદભાગ્યે ફાયર ફાઈટરોના કારણે આગ કાબુમાં આવી ગઈ હતી અને જાનહાનિ ટળી હતી.

(10:29 am IST)