સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

વિંછીયાના પીપરડી ગામે કાનજી જાદવે ઘરના ફળીયામાં ગાંજાનું વાવેતર કર્યુ'તું!

રૂરલ એસ.ઓ.જી.નો દરોડોઃ ગાંજાનો બંધાણી હોય વાવેતર કર્યાની કાનજીની કબુલાત

તસ્વીરમાં પકડાયેલ શખ્સ સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે. (પ-૧૪)

રાજકોટ તા. રપ :.. વિંછીયાના પીપરડી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી કોળી શખ્સના ઘરના ફળીયામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લીધું હતું. પકડાયેલ શખ્સ ગાંજાનો બંધાણી હોય વાવેતર કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જીલ્લામાં નાર્કોટીકસ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને એસ. ઓ. જી. ના પો. ઇન્સ. એસ. એમ. જાડેજા તથા પો. સબ. એચ. એમ. રાણા સ્ટાફ સાથે વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે કાનજી વીરજીભાઇ જાદવ જાતે કોળી રહે. પીપરડી ગામ આસલપુરના જુના માર્ગે તા. વિંછીયાવાળો પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના ફળીયામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા આરોપીઓના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના ફળીયામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ સાથે ૧ કિલો ૮૦૦ જેની કિં. રૂ. ૧ર,૬૦૦ સાથે ઝડપી પાડી વિંછીયા પો. સ્ટે. ખાતે એન. ડી. પી. એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ કાનજીએ પોતે, ગાંજાનો બંધાણી હોય ઘરના ફળીયામાં ગાંજાનું વાવેતર કર્યાની કબુલાત આપી હતી.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ. એસ. આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પો. કોન્સ. રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી તથા ડ્રા. પો. કો. દિલીપસિંહ જાડેજા જોડાયા હતાં.

(12:39 pm IST)