સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

પોરબંદરના કુણવદરની યુવતીને ગંભીર બીમારીમાંથી મુકત કરવા દિલ્હીની એઈમ્સમાં સફળ ઓપરેશન

હેલ્થ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી ઓપરેશન

પોરબંદર, તા. ૨૬ :. વિશ્વમાં જેના ૫૦ જ દર્દી છે તેવી બિમારીથી પીડાતી કુણવદરની યુવતિનું દિલ્હીની એઈમ્સ હોસ્પીટલમાં સફળ ઓપરેશન પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી કરાવ્યુ હતું.
પોરબંદર તાલુકાના કુણવદર ગામની ૨૨ વર્ષની દીકરી રેખાબેન બાબુભાઈ ઓડેદરા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર નામની ગંભીર બીમારીથી પીડાય છે. આ બીમારી રેરેસ્ટ ઓફ રેર ગણાય છે. આ બીમારીના આખા વિશ્વમાં ૫૦ જ દર્દીઓ છે. આ દીકરીની સારવાર માટે તેમના પરિવારે ૨૦ લાખ કરતા વધારેનો ખર્ચ કરીને કોકીલાબેન અંબાણી હોસ્પીટલ-મુંબઈ, વોકહાર્ટ હોસ્પીટલ રાજકોટ, ઝાયડસ હોસ્પીટલ અમદાવાદ, હોપ હોસ્પિટલ-અમદાવાદ તેમજ સિવિલ હોસ્પીટલ-અમદાવાદ સારવાર કરાવી ચૂકયા હતા.
આ દીકરીને ઓપરેશન કરાવવું ફરજીયાત હોય દિલ્હીની વિશ્વ પ્રસિદ્ઘ એઈમ્સ હોસ્પીટલમાંથી ઓપરેશનનો ખર્ચ ૨૦ લાખનું એસ્ટીમેટ આપેલુ હતુ. ઓપરેશન બાદની સારવાર માટે પણ ૧૦ લાખ જેટલો ખર્ચ થાય તેમ છે. બાબુભાઈ ઓડેદરાનો પરિવાર આ ખર્ચને પહોંચી શકે તેમ નથી, ત્યારે આ દીકરીને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર નામની ગંભીર બીમારીમાંથી મુકત કરાવવા માટે ખર્ચને પહોંચી વળવા માટે દાતાઓને આગળ આવી અનુદાન આપવા સૌને અપીલ કરવામાં આવી હતી. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડીયા અને તેમની ટીમ દ્વારા અનુદાનની અપીલ થતા અનેક દાતાઓ આગળ આવ્યા હતા અને તેમના દ્વારા મદદ કરવામાં આવી હતી.

 

(11:07 am IST)