સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th November 2022

કચ્છની રાપર બેઠક ઉપર સૌની નજર: કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપ મક્કમ

ગત ચૂંટણીમાં માંડવીમાં શકિતસિંહ ગોહિલને હરાવી જાયન્ટ કિલર બનેલા વિરેન્દ્રસિંહ જાડેજાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ :  સમગ્ર રાજ્યમાં કચ્છની ૬ બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચા રાપર બેઠકની છે. કોંગ્રેસનો ગઢ ગણાતા રાપરમાં કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને જ્યારે ભાજપ એ વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસી ઉમેદવાર ભચુભાઈ આરેઠીયાને પોલીસ રક્ષણ આપવાની ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ અરજી બાદ આ બેઠક વધુ ચર્ચામાં આવી ગઈ છે. ગત ટર્મમાં ભચુભાઈના પત્ની સંતોકબેન આરેઠીયા કોંગ્રેસ માંથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. આ વખતે ભચુભાઈ પોતે ચુંટણી લડી રહ્યા છે. અત્યારે કચ્છ જિલ્લામાં ૬ બેઠકો પૈકી રાપરમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે ચુંટણીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. ગત ૨૦૧૭ ની ચુંટણીમાં માંડવી મુન્દ્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને હરાવી જાયન્ટ કિલર બનનાર વિરેન્દ્રસિંહ જાડેજાને ભાજપે રાપરમાં મેદાનમાં ઉતાર્યા બાદ ટૂંકા ગાળામાં વિરેન્દ્રસિંહ જાડેજાએ મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે પડકાર ઊભો કર્યો છે. તેના મૂળમાં તેઓ વાગડ તરીકે ઓળખાતા આ વિસ્તારના જ છે. વળી, તેમનો પરિવાર વર્ષોથી રાજકારણમાં સક્રિય છે. વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રચાર પ્રસાર દરમ્યાન કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાનું શરૂ કરી દીધું છે. અનેક ગામોના સરપંચ તેમ જ કોંગ્રેસના આગેવાનોએ કેસરિયા કરી લીધા છે. વિરેન્દ્રસિંહ જાડેજા આત્મવિશ્વાસ સાથે કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અહીં પહોંચેલ નર્મદાના નીર ઉપરાંત  વિકાસ કાર્યોની અસર લોકોમાં વરતાઈ રહી છે. રાપર બેઠક આ વખતે મોટો રાજકીય અપસેટ સર્જશે. આ વિસ્તરણમાં આવેલ એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથબાપુ કહે છે કે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભા બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે ચુંટણીના પરિણામ બદલશે અને અહીં ભગવો લહેરાશે.

(10:08 am IST)