સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th January 2023

પોરબંદર સાંદિપની- શ્રી હરિમંદિરના દર્શને વિદ્વાન વેદપાઠીઓ : પૂ.ભાઇશ્રી દ્વારા સન્‍માન

જૂનાગઢ : વેદશિક્ષા પરંપરાના પરમ આચાર્ય પૂજનીય ગુરૂજી ગોળસેજીના શિષ્‍ય શ્રી વિશ્વનાથ જોષીના સંકલ્‍પ અનુસાર ભગવાન દ્વારકાધીશના સાનિધ્‍યમાં તા. ૭/૧/૨૩ થી તા. ૨૭/૧/૨૩ સુધી સંકલ્‍પપૂતિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમાં ભારતદેશના તમામ પ્રાંતમાંથી આવેલ વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણો દ્વારા શુકલ યજુર્વેદના ઘનપાઠનું દિવ્‍ય પારાયણ ચાલી રહ્યું છે. એ અંતર્ગત સૌ વેદપાઠી બ્રાહ્મણો સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે શ્રીહરિ મંદિરમાં દર્શનાર્થે આવ્‍યા હતા. સૌ વેદપાઠી બ્રાહ્મણો શ્રી હરિ મંદિરમાં પૂજ્‍ય ભાઇશ્રીની ઉપસ્‍થિતીમાં સાયં આરતીમાં જોડાયા હતા. સાયં આરતી બાદ વિદ્વાન બ્રાહ્મણોએ શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સમક્ષ શ્રીવિષ્‍ણુની સ્‍તુતિ સ્‍વરૂપે ધનપાઠ પ્રસ્‍તુત કર્યો હતો. પૂજ્‍ય ભાઇશ્રીએ આવેલ સર્વે વિદ્વાન વેદપાઠીઓનો સત્‍કાર કર્યો હતો. દ્વારકાધીશના સાનિધ્‍યમાં ન્‍યાય ચૂડામણિ શ્રી અશોક કુલકર્ણીજીના માર્ગદર્શનમાં આદરણીયશ્રી મહેશ રેખેજી, શ્રી દેવેન્‍દ્ર ગડીકરજી, શ્રી નિલેશ કેદારજી, શ્રી ઉમેશ શર્માજી અને શ્રી કિરણ પાઠકજી આ મુખ્‍ય વેદાચાર્યો દ્વારા વિદપારાયણ ચાલી રહ્યું છે.(તસ્‍વીર-અહેવાલઃ વિનુ જોષી-જૂનાગઢ) 

(10:55 am IST)