જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્રસચિવ મોના ખંધાર કચ્છમાં : ધોરડો તેમજ ધોળાવીરામાં પૂર્વ તૈયારીની કરી સમીક્ષા
ભુજ : આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજરોજ નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ધોરડો અને ધોળાવીરામાં પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં તેમણે ભુજ - ખાવડા તથા ધોળાવીરા માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી. આ સાથે ભુજ શહેર તથા ટેન્ટ સિટી ખાતે સ્વચ્છતા, પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા, પોલીસ બંદોબસ્ત તેમજ સભ્યો સંબંધિત અન્ય સુવિધાઓ મુદે કલેકટર દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સંબંધિત વિભાગોને સુચન કર્યા હતા. ધોળાવીરા ખાતે વિવિધ એજન્સી, પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી તંત્ર સાથે જી-૨૦ બેઠક અંગે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ હારીત શુકલા, પ્રવાસન નિગમના એમડી આલોક પાંડે તથા અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ સાથે રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)