સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

ભુજના પોસ્ટ કૌભાંડમાં મહિલા એજન્ટના પતિની ધરપકડ

ભુજ,તા. ૨૭:  રાવલવાડી પોસ્ટ ઓફિસમાં માસિક બચત ખાતા ધરાવતા ગ્રાહકોની પાસબુકમાં ઘાલમેલ કરીને લાખો રૂપિયાની રકમની ઉચાપત કર્યાનો મામલો કચ્છમાં ધણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ મામલાની ગંભીરતાથી તપાસ પોસ્ટ વિભાગે શરૂ કરીને અંતે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે મહિલા બચત એજન્ટ પ્રજ્ઞા ઠક્કર, તેના પતિ સચિન ઠક્કર તથા બે પોસ્ટ કર્મચારીઓ બી.આર.રાઠોડ તથા બટુક વૈષ્ણવ સામે ૩૪ લાખથી વધુની રકમની ઉચાપત, ખોટા સહી-સિક્કા તથા કોમ્પ્યુટર સીસ્ટમનો દુર ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરે આગોતરા જામીનની અરજી કરી હતી જોકે, આ અરજી ભુજ કોર્ટે રદ્દ કરી હતી. મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ભુજ એ ડીવીઝન પોલિસે ધરપકડ કરી છે. તેની પુછપરછ પછી કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાશે. જોકે, આ સમગ્ર કૌભાંડમાં ઉચાપતની રકમનો આંકડો ખૂબ જ મોટો હોવાનું પણ ચર્ચામાં છે.

(11:30 am IST)