સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

કાલે દેવભૂમી દ્વારકા જિલ્લામાં પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ

જુદા જુદા મતદાન બુથો ઉપર સ્ટાફ ફરજ ઉપરઃ અનેક ઉમેદવારો મેદાનમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો ખંભાળીયા પાલિકાની ૨૮ બેઠકો, જામરાવલની ૨૪ બેઠકો તથા ભાણવડ અને કલ્યાણપુર તથા દ્વારકા ખંભાળીયા તાલુકા પંચાયતની બેઠકો માટે જિલ્લા તથા તાલુકાનું ચૂંટણી વ્યવસ્થા તંત્ર પ્રવૃત થયુ છે.

પ્રાંત અધિકારી ડી.આર. ગુટવ, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેટારીયા, ડે. કલેકટર પ્રશાંતકુમાર મામલતદારશ્રી અઘેરા, શ્રી વાઘેલા, શ્રી લુક્કા, જિ.શિ. શ્રી ભાવસિંહ વાઢેર, શ્રી ભટ્ટ વિ. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રિસાઈડીંગ ઓફિસરો તથા મદદનિશો, પોલીંગ ઓફિસરો સાથે ટીમ તથા દરેક બુથ પર પોલીસ બંદોબસ્ત સંવેદનશીલ પર એસ.આર.પી. બંદોબસ્તક તથા રૂટ પેટ્રોલીંગ સાથેની સંપૂર્ણ વ્યવસ્થા કરીને શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લામા જિલ્લા તાલુકા પંચાયતની તથા પાલિકાઓની ચૂંટણીઓ યોજાય તે માટે તંત્ર કાર્યશીલ છે.

ગત વખતે ભાજપ દ્વારા કલ્યાણપુર સિવાય ત્રણ તાલુકા પંચાયતો ભાણવડ, ખંભાળીયા તથા દ્વારકામાં સત્તા કબ્જે કરેલી આ વખતે પણ ત્રણ તાલુકા પંચાયતો ભાજપ મેળવે તેવી સંભાવના છે. જો કે આ વખતે તાલુકા પંચાયતોના વિજયમા જિલ્લાની સીટ મહત્વની ગણાય છે. જ્યાં જિલ્લાના મજબુત ઉમેદવાર હશે ત્યાં નીચેની તાલુકા પંચાયતોમાં સારી સ્થિતિ થશે.

દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપની ચાર બેઠકો અગાઉની બિનહરીફ થઈ છે તો અહીં ભાજપનું શાસન નિશ્ચિત ગણાય છે તો તાલુકા પંચાયત ખંભાળિયામાં અનેક સીટો પર કોંગ્રેસના ઉમેદવાર જ નથી જેથી અહીં પણ ભાજપને શાસનમાં સરળતા મનાય છે તો ભાણવડમાં ગત વખતે કોંગ્રેસે છેલ્લે ભાજપ પાસેથી સત્તા કબ્જે કરી હતી તો ભાજપે કલ્યાણપુરમાં કોંગ્રેસ પાસેથી સત્તા કબ્જે કરી હોય અહીં બન્ને પક્ષ એડીચોટીનું જોર કરી રહ્યા છે. ચારમાંથી એકાદ તા.પં.માં સફળ થવા કોંગ્રેસ આશાવાદી જણાય છે.

જિલ્લા પંચાયતની ૨૨ સીટો માટે કોંગ્રેસ ભાજપ વચ્ચે સ્પર્ધા છે ત્યારે કોંગ્રેસ અહીંથી બહુમતી મેળવી ૨૨માંથી ૧૨ સીટ લઈ જાય તેવુ અનુમાન છે. જો કે છેવટ સુધી અહીં ફાઈટ રહેશે તથા ભારે રસાકસી ભરી ચૂંટણી અમુક બેઠકોમાં થશે.

(12:55 pm IST)