૧૮ ફેબ્રુઆરી બાદ જૂનાગઢમાં ફરી કોરોનાની એન્ટ્રી : મહિલા -બાળકી સંક્રમિત
કોરોનાના બે પોઝીટીવ કેસથી ખળભળાટ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭ : ૧૮ ફેબ્રુઆરી બાદ જૂનાગઢમાં ફરી કોરોનાની એન્ટ્રી થતા એક મહિલા અને એક બાળકી સંક્રમિત થયા છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના મૃતપ્રાય થઇ ગયો હતો. પરંતુ રવિવારે બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. છેલ્લે ૧૮ ફેબ્રુઆરીએ એટલે આઠ દિવસ ચાર મહિના અગાઉ કોરોનાનો કેસ નોંધાયો હતો.
જો કે લાંબા અરસા બાદ કોરોનાએ માથુ ઉચકતા જૂનાગઢ સીટીમાં એક મહિલા અને એક બાળકીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે. શહેરના જોશીપરાના ઓધડનગરમાં આ બંને દર્દીને હોમ ઓઇસોલેટ કરવામાં આવ્યા છે.
આ બંને કોરોના પેશેન્ટ વેકિસનના બંને ડોઝ પણ લીધા હોવાની માહિતી છે છતા પણ બંને સંક્રમિત થયા હોય લોકોએ જાગૃતિ અને સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે.
ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ હોય આથી શહેરમાંથી ગંદકી કચરાના નિકાલ તેમજ જંતુનાશક છંટકાવ સહિતના સઘન પગલા હાથ ધરવામાં આવે તે પણ જરૂરી છે.