સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

હળવદમાં આખી રાત ધીમી ધારે વરસાદ : ભારે પવનને કારણે તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઇ : વેર હાઉસના ગોડાઉનના પતરા ઉડયા

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨૭ : શહેરમા ગઈકાલે મોડી સાંજે મિની વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા તબેલાનો શેડ પડી જતાં પાંચ ભેંસો દટાઈ હતી અને ગાયો ઉપર શેડ પડતા નાનીમોટી ઇજા થઇ હતી. જો કે તબેલાના શેડ નીચે દટાયેલી પાંચેય ભેંસોને મહામહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. આ ભારે પવનથી ઠેરઠેર પતર ઊડયા હતા.
હળવદમાં ગઈ કાલે મોડી સાંજે અસહ્ય બફારા અને ગરમીને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદનું ઝાપટું પડ્યું હતું. જો કે વરસાદ તો માત્ર થોડો જ પડ્યો હતો. પણ જોરદાર પવન ફૂંકાયો હતો. મીની વાવઝોડા રૂપી આ તેજ પવનને આફત નોતરી હતી. જેમાં હળવદમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસે આવેલ તબેલાનો આખો શેડ ઉડી ગયો હતો. જેથી આ શેડ હેઠળ પાંચેક ભેંસો દટાઈ ગઈ હતી.
આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને મહામહેનતે ભેંસોને શેડ નીચેથી બહાર કાઢી લીધી હતી. તેમજ શેડ નીચે અમુક ગાયો પણ દટાઈ જતા ઇજા થઇ હતી. હળવદના કોયબા રોડ ઉપર આવેલ વેરહાઉસના ગોડાઉનના પતરા ઊડયા હતા. રાણેકપર રોડ ઉપર મકાનોના પતરા ઉડ્યા હોવાની માહિતી મળી છે. તેમજ બેનરો, હોર્ડિંગને નુકસાન થયું છે.ઙ્ગ
આ ઉપરાંત શહેરમાં રાત્રીના નવ વાગ્યાના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને આખી રાત વરસ્યો હતો . જેનાથી વાતવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

 

(10:56 am IST)