સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

સાયલાના રતનપર ગામે વીજશોક લાગતા ખેડૂતનું મોત

વઢવાણ,તા. ૨૭: સાયલા તાલુકામાં શરૂઆતના સારા વરસાદથી મોટાભાગનાં ખેડુતોએ કપાસ મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું છે ત્યારે હાલ પાક મોટો થઈ રહ્યો છે પરંતુ રાતના સમયે રેઢીયાર પશુ અને નિલગાયના ત્રાસના કારણે રાતના સમયે જીવના જોખમે ખેડૂતોને રખોપુ કરવા જવું પડે છે ત્યારે આવીજ રીતે આજે વહેલી સવારે સાયલા તાલુકાનાં રતનપર ગામની સીમમાં ખેડૂતને એકાએક વીજશોક લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા,૪૨ વર્ષીય રદ્યુભાઈ જેસીંગભાઇ કેરવાડીયાને અર્થીંગનાં કારણે વીજ શોક લાગ્યો હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે માસમાં ત્રણ ખેડૂતોના મોતની વીજશોક લાગતા થવા પામ્યા છે ત્યારે જિલ્લામાં ખેડૂતોના મોત દસ વર્ષ કરતાં ગત વર્ષે વધુ મોત વીજ કરંટ લાગવાથી થતા ખેડૂત પરિવારમાં એક પ્રકારે શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. ત્યારે હાલમાં આજે પણ વહેલી સવારે સાયલા તાલુકાના રતનપર ગામે અર્થિંગ વાયર માં કરંટ આવતા ખેડૂતનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.

(11:27 am IST)