સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

હળવદના સામતસર તળાવ કાંઠે રહેતા ગરીબ સ્થિતિના ત્રણ વડીલોને ઢળતી જીંદગીમાં હુંફ આપતી રોટરી કલબ

ત્રણેય ભાઇઓ શટલ રીક્ષાને ઘર બનાવીને ર૦ વર્ષથી બગીચા પાસે બાળ મનોરંજક સાધનો થકી પેટીયું રળતા હતા : હળવદ રોટરી કલબે ત્રણેય ભાઇઓને ૩ બેડરૂમ હોલ કિચનનું મકાન, તમામ ચીજવસ્તુઓ સાથે રહેવા આપ્યું: નવા કપડા તથા બે ટાઇમ ભોજન માટે ટીફીનની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી

(હરીશ રબારી દ્વારા) હળવદ તા.ર૭:  હળવદના સામતસર તળાવ કાંઠે આવેલ બાળકોના બગીચા પાસે છોકરાંઓના મનોરંજન માટેનું ઉછળકુદ કરવા માટેના જમ્પિંગ નો ધંધો કરીને માંડમાંડ પેટિયું રડતા ૩ ભાઈઓ નાની શટલ રિક્ષા ઉપર પ્લાસ્ટિકનો કાગળ નાખીને ઘર બનાવીને છેલ્લા ૨૦ થી વધુ વર્ષોથી આ નાનકડા વાહનમાં જ વસવાટ કરે છે.

લાંબા પગ કરીને આરામથી બેસી પણ ના શકાય એવડા વાહનમાં રહેવા, જમવાનું, સુવાનું દરેક રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

 આ ત્રણ માંથી એક ભાઈ ને ૬ મહિના પહેલા પેરેલીસીસનો હુમલો આવી ગયો હોવાથી એક સાઈડ નું આખું અંગ જલાઈ ગયું છે.

બીજા બેય ભાઈઓ ઢીંચણ અને પગ ના દુખાવા વાળા હોવાથી પણ વધુ હાલી ચાલી શકતા નથી. કે કામ કરી શકતા નથી.

આવડી નાની રીક્ષા માં પાછળ ની સાઇડ ૨ ભાઈઓ માંડમાંડ સમાઈને સૂઈ ને રાત કાઢે અને ત્રીજા ભાઈ ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા બેઠા સુઈ ને રાત કાઢે છે

ટાઢ, તડકો કે વરસાદ બારે માસ કઠણાંઈ થી પસાર કરતા આ ભાઈઓછેલ્લા ૨૦ વર્ષથી આવો નાનો પણ સ્વમાનનો અને મહેનત કરીને ધંધો કરીને જીવતા આ ૫૮, ૬૦, અને ૬૨ વર્ષના મૂળ ભાવનગર ના બંધુઓ જે ગામ માં બે પૈસા ની આવક મળે ત્યાં આવી રીતે રોકાઈને ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે પેરેલીસીસ વાળા ભાઈ ના ઈલાજ માટે ભુજ ની એક હોસ્પિટલમાં જવા માટે તેમનું આવક નું સાધન જમ્પિંગ વહેંચી નાખ્યું. જેથી યોગ્ય સારવાર માટે રૂપિયા ની જોગવાઈ થાય.

રોટરી કલબ ઓફ હળવદને આ ભાઈઓ વિશે હરિઓમ જાનીએ  વાતની જાણ કરતા તુરંત સ્થળ ઉપર આવીને તપાસ કરતા હકીકત થી વાકેફ થવાયું   ધોધમાર વરસી રહેલા ચાલુ વરસાદમાં નજરે નિહાળતા તેમની પરિસ્થિતિ ખરેખર બહું દયનિય અને ખુબજ મુશ્કેલીભરી નજરે દેખાતી હતી. આ પરિસ્થિતિ માંથી બહાર કાઢવા એમના માટે શુ અને કેવી રીતનો પ્રયાસ કરવો એ વિષય ઉપરનું રોટરીએ વિના વિલંબે ત્વરીત કાર્ય હાથ ધરીને પગલા લેવા માંડયા.

સૌ પ્રથમ સાઈ મંડપ વાળા હેમાંગભાઈ દવેએ  થ્રિબેડરૂમ હોલ કિચન વાળું ઘર આ ભાઈઓ માટે જ્યાં સુધી રહેવું હોય એટલા સમય માટે ખોલી આપવામાં આવ્યું.  ત્યાં એમને લાઈટ, પંખા, ગાદલા, ગોદડા, ઓશિકા, સુવા માટે પાટ વગેરેની વ્યવસ્થા પણ હેમાંગ ભાઈ દવેએ તુરંત કરી આપી હતી. ત્યારબાદ રોજની બપોરના ભોજન માટે  કાયમી ટિફિનની વ્યવસ્થા અને  સાંજ ના ભોજન બનાવવા માટે અનાજ કરીયાણા ની કાયમી  વ્યવસ્થા  ઉપરાંત રોજીંદીવસ્તુંઓ લઇ આપી.

જે ભાઈ ને પેરેલીસીસ હુમલા આવ્યો હતો એમને ૬ માસથી વધુ સમય  નીકળી ગયો છે પણ તેમ છતાંય હજી જો યોગ્ય સારવાર શરૂ કરી દેવામાં આવે તો સ્વસ્થ થઈ જવાના પુરા ચાન્સ દેખાય છે. જેથી ફિજીયોથેરેપીસ્ટ ની કસરત જ્યાં રોક્યા છે ત્યાંજ ઘરે બેઠા કરી જવાની વ્યવસ્થા કરી.  બીજા બે ભાઈઓનું પણ ચેકઉપ કરાવી એમને દુખાવાની દવાની સારવાર શરૂ કરી દેવામાં આવી.આમ એમના જીવન માં વર્ષોથી ભોગવેલ તકલીફોનું એક જ ઝાટકે સમાધાન મળી જતા ભાઈઓ ભાવવિભોર બની ગયા હતા. આ દરેક વ્યવસ્થા માં  જેજે ખર્ચ થયેલ તે તમામ અને હવે પછી થનારો કાયમી ખર્ચનું ડોનેશન રોટરી કલબ ઓફ હળવદ ના સેક્રેટરી રોટે. હિતેનભાઈ ઠક્કર તરફથી કરવામાં આવ્યુ.

(11:28 am IST)