સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

અમરેલીમાં કોરોનાથી બે મહિલા દર્દીના મોતઃ વધુ ૩ર કેસ થયા

અમરેલી તા. ર૭ : દિવસ ઉયે અને રોજ માણસોને ભરખી જતા કોરોનાએ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. આજે લીલીયાના ટીંબડી ગામ અને અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારના બે મહિલા દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

એ સાથે કોરોનાથી જિલ્લામાં મરણાંક રપ થયો છે. લીલીયાના ટીબડી ગામના પ૭ વર્ષના મહિલા દર્દીને રર મી તારીખે અમરેલી દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો આજે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું.

આજ રીતે અમરેલીના હનુમાનપરાના ૭૦ વર્ષના મહીલા દર્દીનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

અમરેલી  જિલ્લામાં કોરોના પોઝીટીવના ૩ર કેસ નોંધાયા છે. જેમાં અમરેલી જિલ્લામાં બગસરા ખાતે મુખ્ય બજારો ગોંડલ ચોક, વિજય ચોક, બજારમાંથી એકસાથે આઠ-આઠ વેપારીઓ કે જેમણે કેમ્પમાં ટેસ્ટ કરાવ્યો હતો તેમના રિપોર્ટ આરટીપીસીઆરમાં પોઝીટીવ આવતા આજે ગાડીમાં ભરી તેમને અમરેલી લાવી દાખલ કરવામાં આવ્યા હતા નવાઇની બાબત એ હતી કે વેપારીઓને કોરોનાના લક્ષણ દેખાતા ન હતા.

આ ઉપરાંત અમરેલી શહેરમાં જેસીંગપરા, બહારપરા, આદર્શનગરમાં બે કોળીવાસ, જુનીબજાર બસ સ્ટેન્ડ પાસે મળી સાત કેસ આવ્યા હતા. જયારે સાવરકુંડલા તથા ખાંભાના મોટાસમઢીયાળા બગરસાના જુનાવાઘણીયા અમરેલીનું વરસડા, જાફરબાદ શહેર, જાફરાબાદ તાલુકાના ફાયરીયા ગામે ર તથા ધારીના ડાંગાવદરમાં ર બાબરામાં ૩ અને મોટાલીલીયા, વડીયામાં એક ખાંભાના લાસામાં એક કેસ આવ્યો છે.

સંક્રમણ અટકે તે માટે તંત્ર દરા કોરોનાના અવિરત રેપીડ ટેસ્ટ થઇ રહ્યા છે. ત્યારે લોકો ટેસ્ટ માટે આગળ આવે પોતે બચે અને પરિવારને બચાવે તે સૌના હીતમાં છે. લોકોએ સ્વયંભુ જાગૃતબની તંત્રને સહકાર આપી માનવતાની ઉમદા ફરજ નીભાવી જોઇએ.

અમરેલીના બહુચર્ચિત જેલ પ્રકરમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ચાર આરોપીઓ મુન્ના રબારીકા નટુખુમણ ગૌતમ ખુમાણ અને બાલસિંગ બોરીચાને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

જયારે કોરોના પોઝીટીવ આવેલ ડોકટર ધીરેન ઘીવાલાને સારવારમાં ખસેડાયા હોય તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેની ધરપકડ કરી જેલ હવાલે કરવમાં આવશે.

આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા આ મોબાઇલ નેટવર્કમાં રિમાન્ડ પર લેવાયેલા નરેશ ઉર્ફે નરસિંહ વાળાના આજે ર૭ મીએ રિમાન્ડ પુરા થતા હોય તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. અને બીજા આરોપીઓને હસ્તગત કરી તેની પાસેથી સત્ય ઓકાવવામાં આવે તેવી શકયતા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(1:03 pm IST)