સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

ભાવનગરમાં બહાર આવ્‍યો વિચિત્ર કિસ્‍સોઃ કૂતરૂ કરડયુ અને સારવાર માટે લઇ જવાયેલ બાળકીને પગમાં દુઃખાવો ઉપડતા ખબર પડી કે બંદૂકની ગોળી વાગી છે !

ભાવનગર: ભાવનગરના સિહોરના સાગવાડીમાં એક એવો કિસ્સો નોંધાયો છે જેને જોઈને તમે પણ વિચારતા થઈ જશો. કેટલાક મહિના પહેલાં 5 વર્ષની એક બાળકીને તે રમતી હશે ત્યારે બંદૂકની ગોળી વાગી અને તેના પરિવારને લાગ્યું કે તેને કૂતરું કરડ્યું છે. જે તે સમયે બાળકીની સારવાર પણ કરાવવામાં આવી અને જ્યાં ઘા હતો એ રુઝાઈ પણ ગયો. છેક હવે બાળકીને પગમાં એ જ જગ્યાએ દુખાવો થતાં પરિવાર પોતાની 5 વર્ષની બાળકીને હોસ્પિટલમાં લઈ ગયો અને જ્યારે ડૉક્ટરોએ સઘન તપાસ કરી તો ખબર પડી કે બાળકીને પગમાં કૂતરું નહોતું કરડ્યું, પણ ગોળી વાગી હતી. તેનું ઓપરેશન કરીને ગોળી બહાર કાઢી તો ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. ગોળીની સાઈઝ એટલી મોટી છે કે બાળકીને કેવી રીતે પગમાં ઘાવ મટી ગયો હતો અને બાળકી સુરક્ષિત રહી તે ખુદ ડૉક્ટર પણ વિચારી નથી શકતા.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સાગવાડી ગામનો દિલ દહેલાવતી ઘટના પ્રકાશમાં આવી છે, સાગવાડી ગામની પાંચ વર્ષની બાળા ના પગમાં થી બુલેટ મળી આવી છે, સિહોરના સાગવાડી ગામના વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 5 વર્ષની બાળાને પગમાં દુખાવો ઉપડતા તેને શિહોર સરકારી દવાખાને લઈ જવાઈ હતી જ્યાં તપાસ દરમ્યાન તેના પગમાં કાર્ટિજ ફસાયેલી હોવાની જાણ થતાં ડોકટરોએ તેના પગમાંથી ઓપરેશન કરી ગોળી બહાર કાઢી લીધી હતી, માત્ર પાંચ વર્ષની બાળાના પગમાંથી ગોળી મળી આવવાની ઘટનાએ શિહોર પંથકમાં ચકચાર મચાવી હતી.

ભાવનગરની સરકારી હૉસ્પિટલમાં આ બાળકીને જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે ડૉક્ટરની પૂછપરછમાં ખબર પડી કે આ બાળકીનો પરિવાર સિહોરના ફાયરિંગ બટ વિસ્તારમાં રહે છે. ફાયરિંગ બટ એટલે એવો વિસ્તાર જ્યાં વર્ષના કેટલાક દિવસો માટે ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. NCCના વિદ્યાર્થીઓ હોય, પોલીસના જવાનો હોય કે તાલીમી પોલીસ કર્મચારીઓ અહીં ફાયરિંગની પ્રેક્ટિસ કરતા હોય છે. તેમની ફાયરિંગ પ્રેક્ટિસ પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે અને સ્થાનિક લોકોને ફાયરિંગ બટ વિસ્તાર તરફ આવવાની સખત મનાઈફરમાવવામાં આવે છે, પરંતુ થોડા મહિના અગાઉ ફાયરિંગ પ્રેક્ટિસ દરમ્યાન આ બાળકી તેના ઘરે રમતી હશે ત્યારે મિસ ફાયર થયેલી ગોળી તેના પગમાં વાગી હશે. જ્યારે ગોળી વાગી ત્યારે પરિવાર ત્યાં હાજર નહીં હોય અને જ્યારે પરિવારનું ધ્યાન ગયું ત્યારે બધાએ માની લીધું કે બાળકીને કૂતરું કરડ્યું છે. તેની દવા કરાવી અને મટી પણ ગયું. પરંતુ પગમાં ગોળી એટલી મોટી હતી કે તેનો ભવિષ્યમાં દુખાવો ના થાય તો જ નવાઈ. થોડા દિવસ બાદ બાળકીને દુખાવો ઉપડ્યો હતો. જેથી બાળકી રોજ રડતી હતી. જેથી તેનો પરિવાર બાળકીને દવાખાને લઈ ગયો અને ડૉક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે પગમાં ગોળી છે.

બાળકીના પિતા નીતિન સરવૈયાએ જણાવ્યું કે, જે દિવસે તેને ગોળી વાગી હતી તે દિવસે મારી દીકરી અચાનક કઈ સમજણ ના પાડતા રડતા રડતા ઘરે આવી હતી. અમે બાળાના પગમાં થયેલ ઘાને રખડતા શ્વાને બચકું ભરી લીધું હોવાનું માની લીધું હતું. અમે મારી દીકરીની પ્રાથમિક સારવાર કરાવી હતી, સમય વીતી જતા પગમાં લાગેલો ઘા પણ રૂઝાઈ ગયો હતો. પરંતુ ગઈકાલે તેને પગમાં અચાનક દુખાવો ઉપડતા તેના પિતા તેને સિહોર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ઓપરેશન દરમ્યાન ડોક્ટરે ઓપરેશન કરી તેના પગમાંથી બુલેટ બહાર કાઢી હતી. ત્યારે પરિવાર ને ખ્યાલ આવ્યો કે જેને તેઓ શ્વાન કરડવાનું સમજી રહ્યા હતા તે બંદૂકની ગોળી હતી.

(5:32 pm IST)