સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th September 2021

લોધીકા પંથકમાં ભારે વરસાદથી પાકને નુકસાન : વિશેષ પેકેજની માંગ

ગ્રામ પંચાયત દ્વારા સરપંચની આગેવાનીમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, મોહનભાઇ કુંડારીયા, લાખાભાઇ સાગઠીયા સહિતને રજૂઆત

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૨૭ : તાજેતરમાં લોધીકા વિસ્તારમાં ૨૫ ઇંચથી વધુ વરસાદ ખાબકતા આ વિસ્તારમાં વ્યાપક તારાજી સર્જાય હતી. તથા લોધીકડી ડેમ ટુટતા તેનું પાણી ચારેકોર ફળી વળતા ખેડૂતોને નુકસાન થયેલ છે. જે અંગેની વિસ્તૃત રજૂઆત લોધીકા ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે.

આ અંગે થયેલ રજૂઆત મુજબ લોધીકા સહિત આજુબાજુના વિસ્તારમાં થયેલ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ થયેલ હતી. જેને લઇ ખેડૂતોનો ખેતરો ધોવાયેલ છે. ઉભો પાક કપાસ, મગફળી, ડુંગરી વિગેરે પાકો સંપૂર્ણ નષ્ટ થયેલ છે. પાણીના પ્રવાહ સાથે ફળદ્રુપ જમીનની માટી પણ ધોવાઇ જતા હાલ ફરી પાક લઇ શકાય તેમ નથી. ખેતરોના સેઢ, પાળા, પાણીની લાઇનો સહિત સામગ્રી પાણીમાં તણાઇ ગયેલ છે. ખેડૂત નિસહાય સ્થિતિમાં મૂકાઇ ગયેલ છે. ખેતરો બંજર થઇ ગયેલ છે. ઉભા પાક સહિત સાધન - સામગ્રી નષ્ટ થઇ ગયેલ છે. ખેડૂત આર્થિક પાયમાલની સ્થિતિમાં આવી ગયેલ છે.

ઉપરાંત લોધીકા ગામ પાસેનો એકમાત્ર લોધીકડી ડેમ પણ ભારે વરસાદને લઇ ટુટી ગયેલ છે. જેથી આજુબાજુના વાડી-ખેતરો તથા નજીકના ગામોમાં પાણી ફરી વળેલ જેથી પારાવાર નુકસાની થયેલ છે. ડેમ ટુટતા લોધીકામાં ભવિષ્યમાં પાણી પ્રશ્ન પણ સર્જાવાનો ભય ઉભો થયેલ છે. આ અંગે લોધીકા ગ્રામ પંચાયત દ્વારા લોધીકા પંથક માટે વિશેષ પેકેજની માંગ સાથેનું આવેદન પત્ર સરપંચ જેન્તીભાઇ વસોયા, ઉપસરપંચ રાહુલસિંહ જાડેજા, કિશોરભાઇ પીપળીયા, પ્રવિણભાઇ સખીયા, મનસુખભાઇ ખીમસુરીયા, સંગ્રામભાઇ શીયાળ, સુભાષભાઇ રૈયાણી, ધીરૂભાઇ વાડોદરીયા, નાથાભાઇ ધાડા, સાબુદીનભાઇ વિગેરે દ્વારા ગાંધીનગર ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સાથે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને રૂરૂ રજૂઆત કરવામાં આવેલ છે.

(10:55 am IST)