કચ્છમાં ઉઠાવગીરો બેફામ
ગાંધીધામમાં કારમાંથી ૩.૫૩ લાખના ૪૦ મોબાઈલ, માતાના મઢમાં ૨.૫૦ લાખના દાગીના ભરેલા પર્સ, મુન્દ્રામાં ૧૩.૫૦ લાખની માલમત્તા ચોરાઈ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કચ્છ જિલ્લામાં નાના મોટા ચોરીના બનાવો સાથે તસ્કરો અને ઉઠાવગીરો બેફામ બન્યા છે. ગાંધીધામમાં સાંઈનાથ મોબાઈલ સ્ટોરના માલિક મનોજ શિવન્દાસ પિદવાણી એ દુકાનની બહાર પાર્ક કરેલી કારમાંથી ૪૦ મોબાઈલ ભરેલો થેલો કિ. રૂ. ૩,૫૩,૦૦૦ કારની બારીનો કાંચ તોડી અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા.
માતાના મઢમાં દર્શને ગયા બાદ મેળામાં ખરીદી કરી રહેલ સુખપર નખત્રાણાના રીટાબેન ભીમજી ચાવડાની પર્સ કોઈએ સેરવી લેતાં તેમણે ત્રણ તોલાની સોનાની ચેન અને રોકડ સાથે ૨.૫૨ લાખની મત્તા ગુમાવી હતી. મુન્દ્રાના નાના કપાયા ગામે બે બંધ મકાનના તાળા તૂટ્યા હતા. મૂળ હરિયાણા ના રોહિત બગાના બે મકાન પૈકી એક માંથી ૫.૪૭ લાખના દાગીના અને ૫.૭૫ લાખ રોકડા જયારે બીજા મકાનમાંથી ૧ લાખ ૨૫ હજારના દાગીના અને ૯૦ હજાર રોકડ એમ બન્ને મકાનમાંથી ૧૩ લાખ ૫૦ હજારની માલમત્તા ચોરી ગયા હતા. પોલીસે ત્રણેય બનાવોની તપાસ હાથ ધરી છે.