સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 27th November 2022

રાજુલાના કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર ચૂંટણી પ્રચાર માટે દરિયામાં તરીને ગામના લોકો સુધી પહોંચ્યા

તેઓ 300 મીટર દરિયામાં તરીને ગામ લોકો સુધી પ્રચાર માટે પહોંચ્યા હતા સાથે જ ગામના લોકોએ પણ અમરીશ ડેરનું સ્વાગત કર્યું હતું.

અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય નેતાઓ દ્વારા એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. મતદારોને રિજવવા માટે ઉમેદવારો રોડ-શો, સભાઓનો ગજવી રહ્યા છે, ત્યારે કેટલાક નેતાઓના બેફામ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. આવામાં અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી પ્રચાર ચર્ચામાં આવ્યો છે. રાજુલાના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે દરિયામાં તરીને ગામના લોકો સુધી પહોંચ્યા હતા.
રાજુલાના કોંગ્રેસ ઉમેદવાર અમરીશ ડેર દરિયો ખેડીને પ્રચાર માટે પહોંચ્યા હતા. અમરીશ ડેર દરિયો ખેડીને સામે કાંઠે પહોંચ્યા હતા. તેઓ 300 મીટર દરિયામાં તરીને ગામ લોકો સુધી પ્રચાર માટે પહોંચ્યા હતા. સાથે જ ગામના લોકોએ પણ અમરીશ ડેરનું સ્વાગત કર્યું હતું. કોળી સમાજે તેમનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, વર્ષોથી ગામ લોકોની પુલ બનાવવાની માંગણી છે. અમરીશ ડેર દરિયામાં તરીને સામે કાંઠે ગામના લોકોને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ દરિયામાં અને હોળીમાં તેમના સમર્થકો પણ જોવા મળ્યા હતા.
રાજુલા શહેરમાં અનેક વૈશ્વિક ક્ષેત્રના મહાકાય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. પરંતુ અહીંના લોકો ખુલ્લી ગટરો અને ગંદકીથી પરેશાન બની ગયા છે. એક સપ્તાહમાં લગભગ 4 વખત ગટરોના ગંદા પાણી ઉભરાય છે. જેથી લોકોના આરોગ્ય સામે ખતરો પેદા થાય છે. બીજી તરફ રાજુલામાં ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર સર્જાતા વીજ ફોલ્ટના કારણ વેપારીઓમાં પણ ભારોભર રોષ જોવા મળે છે. અનેક રજૂઆતો કરવા છતા આ સમસ્યાનું કોઇ નિવારણ દેખાતું નથી. શહેરના અનેક વિસ્તારમાં સફાઈના અભાવે કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. ગંદકીની સમસ્યા મુદ્દે સ્થાનિક લોકો મુદ્દે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતા સમસ્યા ઠેરની ઠેર રહી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
4 ટર્મમાં હીરાભાઇ ઓધવજીભાઇ સોલંકીએ જીત મેળવી હતી. જોકે, ગત વિધાન સભા 2017ની ચૂંટણીમાં ભાજપના ‘અચ્છે દિન’નો અંત આવતા આ બેઠક કોંગ્રેસના કબ્જામાં આવી હતી. હાલ આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર ધારાસભ્ય છે, જેમણે હીરાભાઇ સોલંકીને હાર આપી હતી. જેને લઈ ભાજપની ચિંતા વધી છે. ત્યારે આ બેઠક ઉપર સૌથી વધુ ભાજપની નજર તેજ જોવા મળી રહી છે. ભાજપ પોતાનો ગઢ પરત મેળવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે.

(5:54 pm IST)