સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

ભુજમાં માતાના પ્રેમી ઉપર યુવાન પુત્રનો છરી વડે હુમલો

વિધુર પ્રેમી માટે મા એ પિતાને છૂટાછેડા આપવાના કરેલા નિર્ણયથી પુત્ર ગિન્નાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ભુજમાં મહાદેવ નાકા પાસે જાહેર માર્ગ ઉપર છરી વડે કરાયેલા હુમલાનો બનાવે ચકચાર સર્જી છે. હુમલાનો આ બનાવ પ્રૌઢ વયે પાંગરેલા પ્રેમના કારણે બન્યો હતો.

આ બનાવમાં ઈજા પામનાર મહેશ જેઠાલાલ મકવાણાએ ભુજ એ ડિવિઝન પોલીસમાં લખાયેલ ફરિયાદ પ્રમાણે તેમના ઉપર તેમની પ્રેમિકાના પુત્ર હાર્દિકે હુમલો કર્યો હતો. પૂજારીનું કામ કરતા મહેશ જેઠાલાલ મકવાણા વિધુર છે અને તેમને માલવિકા હરેશ ચાવડા સાથે ઘણા સમયથી પ્રેમ સબંધ છે. બન્ને પ્રૌઢ પ્રેમી પ્રેમિકા સાથે ફરતા હોઈ અવારનવાર હાર્દિક તેમની સાથે ઝઘડો કરતો હતો.

દરમિયાન માલવિકાબેને પોતાના પતિથી છૂટાછેડા લઈને પ્રેમી મહેશભાઈ સાથે ઘર માંડવાનું નક્કી કર્યું. આ બાબતે તેઓ બન્ને લખાણ કરાવવા ગયા હતા ત્યારે હાર્દિકે ત્યાં ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

(10:38 am IST)