સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

પ્રવીણ જયસ્વાલને એસીબી કોર્ટે નિર્દોષ છોડી મુક્યો

પોરબંદરના એઆરટીઓ કોર્ટમાં નિર્દોષ : એસીબીએ કરેલા કેસમાં પોણા ૩ વર્ષ સુધી જેલમાં કોઇ પણ આરોપી રહ્યો હોય તેવો આ રાજ્યનો પ્રથમ કિસ્સો

પોરબંદર,તા.૨૭ : વર્ષ ૨૦૧૨માં પોરબંદરના એઆરટીઓ પ્રવીણ જયસ્વાલની ૨.૭૦ કરોડની બેનામી મિલકત મામલે એસીબીની બેદરકારીને કારણે કેસ સાબીત ન થતા સ્પે. એસીબી કોર્ટે તેમને નિર્દોષ છોડી મુક્યા છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા નથી અને સાક્ષીઓની જુબાનીના આધારે કેસ પુરવાર થતો નથી. ત્યારે આરોપીને નિર્દોષ મુક્ત કરવામાં આવે છે. નોંધનીય છે કે, એસીબીએ એઆરટીઓની ધરપકડ કરી ત્યારબાદ તેઓને એક પણ કોર્ટે જામીન આપ્યા ન હતા. પોણા ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. આમ એસીબીના કેસમાં પોણા ત્રણ વર્ષ જેલમાં કોઇ પણ આરોપી રહ્યો હોય તેવો આ રાજ્યનો પ્રથમ કિસ્સો છે. સન ૨૦૧૧માં પોરબંદર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા પ્રવિણચંદ્ર જંયતીલાલ જયસ્વાલના વિરૂદ્ધમાં એસીબી સમક્ષ અરજી થઇ હતી.

             જેના અનુસંધાનમાં તેમની છેલ્લાં દસ વર્ષમાં વસાવેલી પ્રોપર્ટી શોધી તો એક પછી એક એમ કુલ ૪૮થી વધુ પ્રોપર્ટી તેણે ખરીદી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેના અન્ય રોકાણો મળીને કુલ ૨ કરોડ ૭૦ લાખ રૂપિયાની અપ્રમાણસરની મિલ્કત મળી હતી. આથી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.ચૌધરીએ તેમની ધરપકડ કરી હતી. તપાસના અંતે ચાર્જશીટ પણ કરવામાં આવ્યું છે. આરોપી તરફે એડવોકેટ કિન્નર શાહે કોર્ટને જણાવ્યું હતું કે, જે અરજીના આધારે કેસ કરવામાં આવ્યો છે તે અરજી જ ખોટી હોવાનું અધિકારીએ જુબાનીમાં સ્વાકાર્યું છે તેથી આખો કેસ ખોટો હોવાનું પ્રસ્તાપિત થાય છે, આરોપીની જે મિલકતની કિંમત દર્શાવી છેતે ઘણી જ વધુ દર્શાવવામાં આવી છે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેવા ચોક્કશ દસ્તાવેજી પુરાવા નથી કે સાક્ષીઓની જુબાની પણ નથી. તેથી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવો જોઇએ. પોલીસે કેસ કર્યો ત્યાર બાદ આરોપી પાસેથી જુદી જુદી ૪૮ મિલકતો મળી હતી. જેની અંદાજિત કિંમત ૨.૭૦ કરોડ હતી. જેમાં ચાર મકાન, ત્રણ ફ્લેટ, ૩૧ કોમર્શિયલ દુકાન, ત્રણ પ્લોટ, છ ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે. જેમાંથી છ પ્રોપર્ટી તેના નામે જ્યારે ૩૧ તેમની પત્ની સુષમા જયસ્વાલના નામે જ્યારે બીજી સંપત્તિ તેમના પુત્રોના નામે હતી. પોલીસે પણ આટલી મિલકત જોઇ ચોંકી ઊઠી હતી.ફરિયાદ કરતી વખતે પ્રોપર્ટી રીટર્ન મુજબ મલકત કે આવક પ્રમાણસરની કે અપ્રમાણસરની છે તે સમજવા પ્રયત્ન કર્યો નથી તેવું સાક્ષીઓની જુબાનીમાં ફલીત થયા છે.

(10:39 pm IST)