સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

દ્વારકા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ જયોતિબેન સામાણીએ ચાર્જ સંભાળ્યો

દ્વારકા રઘુવંશી સમાજના આગેવાનો, પાલિકાના સદસ્યો, વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનો તથા પત્રકારોની ઉપસ્થિતી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૮ :.. દ્વારકા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ જયોતીબેન સામાણીએ ગઇકાલે  નગરપાલિકાના ચીફ ઓફીસર, રઘુવંશી સમાજના આગેવાનો, પાલિકાના સદસ્યો ઉપરાંત દ્વારકાની વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનો તથા પત્રકારોની ઉપસ્થિતીમાં પાલિકા પ્રમુખ તરીકેનો ચાર્જ તેમજ ઉપપ્રમુખનો ચાર્જ પ્રકાશ વાઘેલાએ સંભાળેલ.

આ પ્રસંગે પૂર્વ પ્રમુખ જીતુભા માણેકે ચાર્જ સોંપતી વેળાએ જણાવેલ કે મને અઢી વર્ષમાં દ્વારકાવાસીઓનો ખૂબ જ સાથ - સહકાર મળેલ છે અને દ્વારકાધીશના આશિર્વાદથી જ શહેરમાં વિકાસના કામો થયા છે અને હજુ પણ નવા પ્રમુખ જયોતિબેન સામાણીની અધ્યક્ષતામાં વધુને વધુ વિકાસ કામો થશે તેવી આશા તેમણે વ્યકત કરેલ.

પાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણીએ જણાવેલ કે, દ્વારકા નગરપાલિકાના સદસ્યો, વિવિધ જ્ઞાતિના આગેવાનો અને શહેરની જનતાએ મારા ઉપર વિશ્વાસ મુકીને મને શહેરના પ્રથમ નાગરીક બનવાની જે તક આપેલ છે તેને કદી ભૂલી નહી શકાય અને મારા ઉપર મુકેલા વિશ્વાસને હું કયારેય તુટવા નહી દઉ તેવી તેમણે ખાતરી આપેલ. વધુમાં તેમણે જણાવેલ કે હું દ્વારકાની દીકરી છું એટલે દ્વારકાના કોઇપણ જ્ઞાતિ કે સમાજના કોઇપણ વ્યકિતને પાલિકાનું કોઇપણ કામ હોય તો વિના સંકોચે તેમનો સંપર્ક કરીને રજૂઆત કરી શકે છે. અધુરા રહેલા તેમજ અગત્યના કામો ઉપર ખાસ ધ્યાન આપી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે.

આ તકે રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓના વડાઓ દ્વારા જયોતિબેન સામાણીનું દ્વારકાધીશની પછેડી ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.

(11:46 am IST)