સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

જસદણ-વિંછીયા તાલુકાના ૧૮૮ પરીવારોને ઘરથાળ પ્લોટ મળશે

મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની સરાહનીય કામગીરી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૨૮: જસદણ-વિંછીયા પંથકમાં વર્ષોથી રહેતા વિચરતી-વિમુકત જાતીના લોકોની વર્ષોથી રાજય સરકાર દ્વારા અપાતા મફત પ્લોટની માંગણી હતી તે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પ્રયાસથી ૧૮૮ પરીવારોને પ્લોટ આપવા મંજુરી મળતા આ પરીવારમાં આનંદ છવાઇ જવા પામ્યો છે. વિચરતીઅવિમુકત જાતીના ખાસ કરીને દેવીપુજક લોકો વસવાટ કરે છે આ અતિ ગરીબ લોકોને રહેવા માટે કોઇ સુવિધા ન હોય ઝુંપડાઓ બાંધી જુદા જુદા ગામોમાં વસવાટ કરે છે. આ લોકોને આવાસ મળે તે માટે શ્રી બાવળીયાએ સંબંધીત અધિકારીઓને સુચનાઓ આપી મંત્રીશ્રીએ જુદા જુદા ગામોમાં કેમ્પો યોજી વિચરતી-વિમુકત જાતીના લોકોને રહેણાંક હેતુ ઘરથાળ પ્લોટ મળે તે માટે દરખાસ્તો કરાવેલ. જેમાં જસદણ અને વિંછીયા તાલુકામાં ૩૦૦ થી વધુ દરખાસ્તો  કરવામાં આવી હતી તે પૈકી ૧૮૮ જેટલા પરીવારોની દરખાસ્તો રાજકોટ જીલ્લા કલેકટરે મંજુર કરી અને ઘરથાળ પ્લોટ ફાળવણી અંગે હુકમો કર્યા છે અને દરખાસ્ત પૈકી બાકી રહેલા લાભાર્થીઓને પણ વહીવટી  કામગીરીઓ પુર્ણ થયા બાદ પ્લોટ ફાળવણીના અલગથી હુકમો કરવામાં આવશે.

જસદણ તાલુકાના મંજુર થયેલા જસદણ શહેરના ૩૧, ભાડલાના ૨૩, ભંડારીયાના ૧૬, ગોખલાણાના ૧ર, લીલાપુરના ૧૮, પાંચવડાના ૯, પોલારપરના ૧૪, ગઢડીયા (જામ)ના ૧૮, વિંછીયા તાલુકાના છાસીયાના પ, ઓરીના ૩, થોરીયાળીના ૬, વાંગધ્રાના ૨, રૂપાવટીના ૧૮, કંધેવાળીયાના ૬, આંકડીયાના ૪, આંસલપુરના ૩ એમ બંને તાલુકાના કુલ ૧૮૮ પરીવારોને રહેણાંકના હેતુ  માટે પ્લોલટ ફાળવવાનું મંજુર થયેલ છે જે અંગે કામગીરી ટુંક જ સમયમાં પુર્ણ કરવામાં આવશે.

(11:46 am IST)