સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

આમરણ પાસે તુટેલા બેઠા પુલનો ડાયવર્ઝન બનાવતા વાહનચાલકોને રાહત

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા.૨૮ : માવનુગામના પાટિયા પાસે ભારે વરસાદને કારણે તૂટી પડેલા નાલાને કારણે જામનગર કચ્છ વચ્ચેનો વાહનવ્યવહાર ચાર દિવસથી ખોરવાઇ ગયો હતો. તાકિદે ડાયવર્ઝન બનાવતા વાહનચાલકોને રાહત અપાઇ છે.

પીડબલ્યુડી ખાતા દ્વારા મહામહેનતે ડાયવર્ઝનનું કામ પુર્ણ કરી ફોરવ્હીલ જેવા હળવા વાહનો માટે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ટ્રક જેવા ભારે વાહનો માટે હજુ પણ આવાગમન પર પ્રતિબંધ રખાયો છે.

તૂટેલા નાલાની આસપાસ હજુ પણ ત્રણ ફુટ જેટલુ પાણી ભરેલુ હોવાથી કામચલાઉ ડાયવર્ઝન કાઢવામાં પણ ઘણી અડચણો ઉભી થઇ હતી.

જામનગર પીડબલ્યુડી કાર્યપાલક ઇજનેર જે.આર.ઓઝાના સતત માર્ગદર્શન હેઠળ ધ્રોલ ડિવીઝન ડે.ઇજનેર એસ.આર.કટારમલના રાત દિવસના સુપરવિઝન હેઠળ કામચલાઉ ડાયવર્ઝનનું કામ પુર્ણ કરી હળવા વાહનો માટે આ માર્ગ ખુલ્લો કરાતા આનંદની લાગણી ફેલાઇ છે.

(11:53 am IST)