સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

પાંભર ઇટાળા પાસે લેક વ્યુહ બંગ્લોઝમાં જૂગાર રમતા રાજકોટના છ નબીરાઓ પકડાયા

બે વાહનો અને મોબાઇલ સહિત ૧૩૮ લાખનો મુદામાલ કબ્જેઃ લોધીકા પોલીસનો દરોડો

રાજકોટ તા. ર૮ :.. લોધીકાના પાંભર ઇટાળા ગામ પાસે આવેલ લેક વ્યુહ બંગ્લોઝમાં જૂગારનાં હાટડા ઉપર લોધીકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા રાજકોટના છ નબીરાઓને ઝડપી લીધા હતાં.

પ્રાપ્ય વિગતો મુજબ પાંભર ઇંટાળા ગામ પાસે આવેલ લેક વ્યુહ બંગ્લોઝ નં. ૭ માં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા લોધીકામાં પીએસઆઇ એચ. એમ. ધાંધલ તથા મહિલા પીએસઆઇ કે. એ. જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા રાજકોટના ૬ નબીરોઓને રોકડા રૂ. ૮૮૦૦ બે વાહન તથા મોબાઇલ મળી કુલ રૂ. ૧.૩૮ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં જય બીપીનભાઇ મડીયા રે. એરપોર્ટ રોડ રાજકોટ, દિવ્ય વિનોદભાઇ પોપટ રે. ભકિતનગર સર્કલ પાસે રઘુવીર પાર્ક શેરી નં. ર૦ રાજકોટ, પૂર્વ કિશોરભાઇ ભાલોડીયા રે. પુનીતનગર રાજકોટ, નીલ નીતિનભાઇ વિરપરીયા (પટેલ) રે. જીવરાજ પાર્ક રાજકોટ, મીત નરેશભાઇ બારડ રે. રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે રાજકોટ તથા અમન રાજકુમારભાઇ જાગનાણી રે. એરપોર્ટ રોડ રાજકોટનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ લેક વ્યુહ બંગ્લોઝ નં. ૭ જય મડીયાનો છે. અને ત્યાં મિત્રોને બોલાવી સાથે જૂગાર રમતો હતો પકડાયેલ તમામ શખ્સો ર૦ થી ર૧ વર્ષના હોવાનું અને અભ્યાસ કરતા હોવાનું બહાર આવેલ છે. પકડાયેલ તમામ નબીરાઓ સામે લોધીકા પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં લોધીકાના પો. કો. ઉપેન્દ્રસિંહ ગોહીલ, ધનુભા જાડેજા તથા જયરાજભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(2:55 pm IST)