સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th September 2022

ભોગાતના તામસી સ્‍વભાવના યુવાને આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ર૮ : કલ્‍યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા પિયુષભાઈ ગોરધનભાઈ મકવાણા નામના ૪૦ વર્ષના લુહાર યુવાન તામસી સ્‍વભાવના હોય, અવાર-નવાર તેમને પોતાના પત્‍ની સાથે બોલાચાલી થતી હતી, આ બાબતે કોઈ કારણોસર તેને મનમાં લાગી આવતા ગઈકાલે મંગળવારે તેણે પોતાના હાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ઉપરોક્‍ત બનાવ અંગેની જાણ મળતકના પત્‍ની રેખાબેન પિયુષભાઈ મકવાણાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

વાય આવતા દરિયામાં પડી ગયેલા આધેડનું મળત્‍યુ

દ્વારકાના રૂપિયા બંદર વિસ્‍તારમાં રહેતા જીવણભાઈ પુંજાભાઈ વાજા નામના ૫૦ વર્ષના ખારવા આધેડ દરિયામાં હોળી લાંગરી રહ્યા હતા, તે દરમિયાન તેમને અચાનક વાય આવતા તેઓ દરિયામાં પડી ગયા હતા. જેના કારણે ડૂબી જવાનથી તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ અંગે ફિરોજભાઈ બકસુરભાઈ થૈયમે સ્‍થાનિક પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

કલ્‍યાણપુર તાલુકામાં બે સ્‍થળોએ જુગાર દરોડામાં ૧૧  ઝડપાયા

કલ્‍યાણપુર તાલુકાના ગોરાણા ગામેથી પોલીસે તળાવના કાંઠે બેસીને જાહેરમાં જુગાર રમી રહેલા પોલા લાખા ગોરાણીયા, જેઠા પરબત ગોરાણીયા, કાના કારા ગોરાણીયા, બાલુજી રાજાજી ઓડેદરા, કેશુ સામત ગોરાણીયા અને જેઠા કારા ગોરાણીયા નામના છ શખ્‍સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૧,૪૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્‍ય એક દરોડામાં રાવલ ગામેથી કાના હરદાસ ગામી, ભીમા લખુ સોલંકી, કનુ કેશવ પરમાર, મસરી કારા ગામી અને કરસન વાલા મકવાણા નામના પાંચ શખ્‍સોને ઝડપી લઇ, પોલીસે રૂપિયા ૧૦,૦૫૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

ભાણવડમાં વરલી ભક્‍ત ઝડપાયો : કપાત કરતી મહિલાનું નામ ખુલ્‍યું

ભાણવડના રામેશ્વર પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા નરેન્‍દ્રસિંહ જીવુભા ઝાલા નામના શખ્‍સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, રોકડ રકમ તેમજ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, ઉપરોક્‍ત શખ્‍સ રાણપરડા ગામની નજુબાઈબેન પાસે કપાત કરતો હોવાનું ખુલતા પોલીસે નજુબાઈબેનને હાલ ફરાર ગણી, જુગારાધારાની કલમ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.

(1:55 pm IST)