સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

કચ્છમાં કોરોના સામે તંત્ર ઉંધા માથે- ભુજ, દયાપરમાં ફુટ માર્ચ, માધાપરમાં સુપર સ્પ્રેડર્સનું ચેકીંગઃ નવા ૧૫ કેસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: કોરોનાના વધતાં કેસો વચ્ચે તંત્ર દ્વારા ફરી એકવાર આંકડાઓમાં લુકાછૂપીનો ખેલ શરૂ કરાતા લોકોમાં છુપો ભય પ્રવર્તી રહ્યો છે. બીજી બાજુ પોતે એલર્ટ છે, એવું દર્શાવવા તંત્ર દ્વારા ફુટ માર્ચ તેમ જ ચેકીંગ પણ હાથ ધરાયું છે. જોકે, સરકાર અને તંત્ર ભલે પોતે સંવેદનશીલ છે એવો દાવો કરે પણ મૂળ વાત પોઝિટિવ દર્દીઓ વિશેની, મૃત્યુ પામેલા દર્દીઓ વિશેની માહિતી છુપાવવા બાબતે લોકોમાં તંત્ર અને સરકાર સામે અવિશ્વાસ પ્રવર્તી રહ્યો છે. કચ્છમાં નવા ૧૫ પોઝિટિવ કેસ બતાવાયા છે, પણ હકીકતે કેસ વધુ હોય એવી પરિસ્થિતિ છે. ભુજના પોશ ગણાતા ભાનુશાલીનગર, પ્રમુખસ્વામીનગર સહિતના અન્ય વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. એવું જ કચ્છના અન્ય શહેરો ગાંધીધામ, આદિપુર, અંજારમાં છે. પણ ચોપડે ચડતાં કેસ અને મોતનો આંક ઓછા છે. એકબાજુ સરકારી ચોપડો કોરો રહે છે, પણ બીજી બાજુ તંત્ર દ્વારા કોરોના સામેની જાગૃતિ અર્થે ફુટમાર્ચ, માસ સેમ્પલ ચેકીંગ અને માસ્ક માટેની ઝુંબેશ ચલાવાય છે. ખરેખર દર્દીઓ વિશે સાચી માહિતી મળતી ન હોઈ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલઓ કોરોના સ્પેડર્સ બની રહ્યા છે. તંત્ર દ્વારા ભુજના માધાપર ગામના વિસ્તાર નવાવાસ શાકમાર્કેટમાં સુપર સ્પ્રેડર્સ (શાકભાજી વેચનાર, લારીવાળા, દુકાનદાર) ની કોરોના તપાસ કરવામાં આવી હતી. કોરોનાના છેલ્લા આંકડાઓની વાત કરીએ તો, વધુ ૧૫ દર્દીઓ સાથે કુલ કેસ ૩૧૯૦ થયા છે. સાજા થયેલા દર્દીઓ ૨૮૬૫ છે. જયારે એકિટવ કેસ ૨૧૨ છે. સ્મશાનમાં કોરોના પ્રોટોકોલ મુજબ મૃતદેહોને અપાતાં અગ્નિદાહ વચ્ચે સરકારી ચોપડે મોતનો આંક ૭૧ ઉપર જ સ્થિર છે.

(10:28 am IST)