સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

અમે તો જુગાર શોખથી રમતા હતાઃ ઉપલેટામાં ઝડપાયેલા ભાજપ પ્રમુખનાં પત્નિનું નિવેદન

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ર૮: યાદવ રોડના રહેણાંક મકાનમાં પોલીસે પાડેલ જુગારના દરોડામાં પકડાયેલા ઉપલેટા તાલુકા ભા.જ.પ.ના પ્રમુખ પત્નિ એ આજે પત્રકારોને જણાવેલ હતું કે હા અમો જુગાર રમતા હતા પણ હારજીત માટે નહિં અમે બે પાંચ બહેનપણીઓ એકઠી થયેલ અને સમય પસાર કરવા ફકત શોખ ખાતર પતે રમવાનું ચાલું કર્યું હતું તો અડધો કલાક પણ અમે રમ્યા નહિં હોય ત્યાં કોઇ વિધ્ન સંતોષીઓએ પોલીસને ફોન કરતા પોલીસ આવી અને અમને પકડીને પોલીસ સ્ટેશને લઇ જઇ અમારી ઉપર જુગાર ધારાનો કેસ કર્યા બાદ પોલીસ અને પ્રેસ અમને ફુલ ટાઇમ જુગારી હોઇએ એ રીતે સમાજમાં ચીતરીને ભુલ કરી છે.

તો આટલા રૂપિયા પોલીસે કઇ રીતે બતાવ્યા તેવું પુછતા ભાવનાબેન માકડીયાએ જણાવેલ કે અમે જે સહેલીઓ રમતી હતી તે સુખી સંપન્ન પરીવારની બહેનો હતી. પોલીસે અમારા પાકીટમાં રહેલા પૈસા પણ કાઢીને જુગારના ગણાવ્યા તેથી આ રકમ મોટી થયેલ છે.

સ્વાભાવીક છે અમો સુખી સંપન્ન પરીવારની મહિલાઓ હોઇએ અમારા પર્સમાં ૧૦ થી ૧પ હજાર હોય આ કોઇ જુગાર રમવાના પૈસા ન હતા. અમે ફકત ટાઇમ પાસ સામાન્ય જુગાર રમતા હતા તેમને મોટું રૂપ અપાયું છે.

(11:43 am IST)