સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

મોરબીના ખાનપર ગામે પૈસા બદલવા મામલે બેંક મેનેજરને ફડાકા ઝીંકયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૮: તાલુકાના ખાનપર ગામે આવેલ પંજાબ નેશનલ બેંકમાં પૈસા બદલવા મામલે બ્રાંચ મેનેજરને ગાળો આપી ફડાકા મારી વધુ માર મારવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ પંજાબ નેશનલ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા અને નેશ્ડા(ખાનપર) ગામે રહેતા યોગેન્દ્રભાઈ પ્રદીપભાઈ ચૌહાણ (ઉ.૩૧) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે બપોરના સુમારે એક સાતેક વર્ષનો છોકરો હાથમાં પૈસા લઈને પૈસા બદલવા માટે પંજાબ નેશનલ બેંકમાં કેશિયર ખુશબુબેન મહેશ્વરી પાસે ગયેલ હોય જેથી ખુશ્બુબેનએ મેનેજર યોગેન્દ્રભાઈને વાત કરેલ કે છોકરો પૈસા બદલવા માટે આવેલ છે તે દરમિયાન તે છોકરાએ તેની પાસે રહેલ ફોનથી ફોન લાગડેલ અને તે મોબાઈલ મેનેજર યોગેન્દ્રભાઈને વાત કરવા આપતા પ્રકાશભાઈ ડાંગર ગજડી વાળા બોલું છુ તે છોકરાને મેં મોકલેલ છે અને તમારી બેંકમાંથી જ પૈસા ઉપડેલ છે તે પૈસા બદલી આપવા કહ્યું હોય અને બાદમાં મેનેજર યોગેન્દ્રભાઈ ચૌહાણએ કહેલ કે અમે જુના કે ફાટેલા રૂપિયા કોઈને આપતા નથી જેથી પૈસા અમે બદલી નહિ આપીએ તેમ કહેતા આરોપી પ્રકાશભાઈ ડાંગર ફોનમાં ઉચા અવાજે બોલવા લાગેલ અને છોકરો પૈસા લઇ બેંક બહાર જતો રહેલ હોય.

બાદમાં એક પ્રકાશભાઈ ડાંગરે મેનેજર પાસે ગયેલ અને કહ્યું કે પૈસા બદલી આપવા મેં જ ફોન કરેલ પૈસા કેમ બદલી નથી આપતા તેમ કહી આરોપી પ્રકાશભાઈ ડાંગરે મેનેજરને ગાળો આપી ઝાપટ મારી દરમિયાન બેન્કના કર્મચારીએ મેનેજરને છોડાવતા આરોપી પ્રકાસ ડાંગરે બેક બહાર જઈને માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)