સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th May 2022

વિક્ટોરિયા પાર્કનુ નામ બદલવા નિર્ણય :હવે સ્વામી વિવેકાનંદ પાર્ક કરાશે: જીતુભાઇ વાઘાણીની જાહેરાત

મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર ખાતે એમ્બ્યુલન્સ વાનના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા

ભાવનગર :શહેરની વચ્ચોવચ આવેલા વિક્ટોરિયા પાર્કનુ નામ બદલવા અંગે નિર્ણય કરાયો છે શિક્ષણમંત્રી જીતુભાઇ વઘાણી દ્વારા આ અંગેની જાહેરાત કરાઈ છે, ભાવનગરના રાજવી પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવેલા આ પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામા આવશે જે અંગેની મોટી જાહેરાત કરવામાં આવી છે.રાજ્યના એક માત્ર ભાવનગર શહેરની મધ્યમાં આ પ્રકારનું પાર્ક વિકસાવાયુ છે. 

કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર ખાતે એમ્બ્યુલન્સ વાનના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમને સ્ટેજ પરથી વિક્ટોરિયા પાર્કનુ નામ બદલવા અંગેની મોટી જાહેરાત કરી હતી. વિક્ટોરિયા પાર્કનુ નામ સ્વામી વિવેકાનંદ પાર્ક કરવા અંગે વિચારણા ચાલુ હોવાનું જણાવ્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે જે પણ અંગ્રેજી નામો છે તેને હવે બદલવાના છે તેમ ઉમેર્યું હતું. 

ભાવનગરની શાન સમાન વિક્ટોરિયા પાર્કમાં 241 પ્રકારની વનૌષધિઓ અને 69 પ્રકારનાં વૃક્ષો લહેરાઈ રહ્યા છે. આ પાર્કએ ભાવનગરને ગૌરવ આપવી અલગ ઓળખ ઊભી કરી છે. શહેરના મધ્યમાં વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર છે જે 202 હેક્ટર જેટલા વિસ્તારમાં પથરાયેલો છે. આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓ અને 13 પ્રકારનાં સાપ પણ વસવાટ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.ભાવનગરના રાજવી મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી દ્વારા 24 મે 1888ના રોજ આ વન વિસ્તારની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વન વિસ્તાર વચ્ચે એક મિસ્ત્રી હરીલાલ વન ભોજનશાળા નામે એક ભોજન શાળા પણ આવેલી છે અને બાળકો માટે રમવાની વ્યવસ્થા પણ આવેલી છે. વધુમાં પાર્કમાં જ કૃષ્ણકુંજ નામે આવેલુ તળાવ પાર્કની શોભાને ચાર ચાંદ લગાવી રહ્યું છે. વચ્ચે આવેલા ટાપુ પર પક્ષીઓનો વસવાટ છે. તળાવ પાસે આવેલી ટેકરી પરથી આખા વિક્ટોરીયા પાર્કનું અવલોકન થઈ શકે છે.

(6:20 pm IST)