સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

વિજયભાઇ જેતપુરમાં : વિઠ્ઠલભાઇની સ્મૃતિમાં કાર્યક્રમોની હારમાળા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિતના આયોજન

(કેતન ઓઝા - કિશોર રાઠોડ દ્વારા) જેતપુર - ધોરાજી તા. ૨૯ : પોરબંદરના ભાજપના પૂર્વ સાંસદ અને કિશાન નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની આજે બીજી પુણ્યતિથિ છે. આજે જેતપુરમાં બપોરે ૩ વાગ્યાથી ૫ વાગ્યા સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

ગુજરાતના કદાવર ખેડૂત નેતા અને માજી સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની દ્વિતિય પૂણ્યતિથિ નિમિત્તે ૩૦થી વધુ ગામોમાં મહારકતદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ચેતનાબેન રાદડિયા તેમજ લલીતભાઈ રાદડિયાના હસ્તે જામકંડોરણા ગામ ખાતે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વિઠ્ઠલભાઈ રાદડિયાના જુજારૂ વ્યકિતત્વને છાજે તેવી શ્રધ્ધાંજલી અર્પવા સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચ અને અમદાવાદમાં પણ બ્લડ ડોનેશન સહિતના સેવાકિય કાર્યોનું આયોજન વિવિધ સંસ્થાઓ તેમના ટેકેદારો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા કરવામાં આવેલ છે.

જીવનભર ખેડૂતો અને આમ જનતા માટે સંઘર્ષ કરનાર સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે તા.૨૯મીને ગુરૂવારે દ્વિતિય પૂણ્યતિથિ નિમિત્તે કુલ ૨૯ સ્થળે રકતદાન કેમ્પના આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જેતપુર, જામકંડોરણા અને ભેંસાણ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ, જેતપુરમાં કોવિડ વેકિસન કેમ્પ, ગૌશાળા ખાતે પશુરોગ નિદાન કેમ્પ, અમદાવાદ હાથીજણ ગામ પાસે વસ્ત્રદાન-અન્નદાન કેમ્પ, સુરત પાસોદરા પાટીયા કામરેજ ખાતે વિધવા બહેનો, અપંગ-મનોવિકલાંગ લોકોને અનાજ-કરિયાણાની કીટ, ધાબળા તથા દવા વિતરણ, વૃધ્ધાશ્રમમાં ભોજન અને વૃક્ષારોપણ-કુંડા-રોપા વિતરણ, પક્ષીને ચણ નાંખવા સહિતના સેવાકિય કાર્યોનું આયોજન સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના ટેકેદારો-ચાહકો દ્વારા કરવામાં આવેલ છે.

જયારે સ્વ.વિઠ્ઠલભાઈના માદરેવતન જામકંડોરણા ઉપરાંત જેતપુર, નવાગઢ, રાજકોટ, સુરત, જૂનાગઢ, રાણપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ઉપલેટા, ગોંડલ, જસદણ, કેશોદ, ટંકારા, અરડોઈ, ધાવા (ગીર), મેંદરડા, કાલાવડ, પડધરી, બાયડ, વિસાવદર સહિતના શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૨૯ સ્થળે રકતદાન કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે.

સંબંધોના માણસ તરીકે લોકપ્રિય નેતા બનેલા મુઠી ઉંચેરા માનવી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં રાદડિયા પરિવાર ઉપરાંત સ્વ.વિઠ્ઠલભાઈના ટેકેદારો, ચાહકો અને કાર્યકરો રાજકિય હુંસાતુસી એક તરફ મૂકી સેવાકિય કાર્યો માટે કટિબધ્ધ બન્યા છે અને ભાંગ્યાના ભેરૂ સમાન સ્વ.વિઠ્ઠલભાઈની સ્મૃતિ સમાજ માટે યાદગાર-અનુકરણીય બને તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

આજે ગુરૂવાર સૌરાષ્ટ્ર-ગુજરાત માટે એક કદાવર નેતાની યાદમાં સેવાકિય પ્રકલ્પોનો દિવસ બની રહે તેવા સંવેદનશીલ કાર્યોના આયોજન થયા છે. સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અવિરત સેવાકાર્યો યોજાનાર છે. સ્વ.વિઠ્ઠલભાઈની પૂણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા અને ભરૂચની સેવાભાવી સંસ્થાઓએ પહેલ કરી કાયમી સંભારણારૂપ સેવાકાર્યોનું આયોજન કર્યું છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ભોજરાજપરા ગૃપ ગોંડલ દ્વારા આજે સવારે ૮.૦૦ થી સાંજના ૮.૦૦ વાગ્યા સુધી પટેલવાડી જેલચોક ખાતે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયા ખેડુત નેતા જે આપણા સૌના પરમ વંદનિય ખેડુતો ગરીબ લોકોની સેવા કાજે પોતાનું જીવન સમર્પીત કર્યુ હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનુ લોહી રેળી લોકસેવાના કાર્યો કર્યા હતા. આવા મહાન વિરલ વ્યકિતને સર્વ સમાજ મળીને લોહીના બૂંદથી સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરવાના અમુલ્ય કાર્ય નો અવસર મળીયો છે.ત્યારે એવા એમના સુપુત્ર જયેશભાઇ રાદડિયા કેબીનેટ મંત્રી ગુજરાત સરકાર ચેરમેન રાજકોટ ડીસ્ટીકટ બેંક જેમણે પીતા વિઠ્ઠલભાઇ રાદડિયાના દરેક બોલને હદયમાં રાખીને દરેક કાર્યો જેવા કે કોરોના મહામારી, તૌકતે વાવાઝોડુ, ખેડુતોના પ્રશ્નો,સરકારી વિવિધ યોજનાઓ,સમાજ ભવનો, સરકારી ક્ષેત્રે દુધ મંડળી, સરકારી મંડળી, માર્કેટીંગ યાર્ડ તેમજ સર્વ સમાજના માટે કાયમી ચિંતા કરતા એવા લોક લાડીલા યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા રકત તુલા કાર્યક્રમ ગોંડલ શહેર તાલુકો કોટડાસાંગાણી તાલુકો તેમજ સૌ કોઇ આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સહભાગી થવા ભોજરાજપરા ગૃપ તેમજ ગોંડલ શહેર તાલુકાની વિવિધ ૨૫ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ રાખેલ છે. ગોંડલ ધારાસભ્ય, સાસંદસભ્ય, યાર્ડના ચેરમેન, રાજકોટ જીલ્લા ભાજપ, નાગરીક બેંક તેમજ સામાજીક સંસ્થાઓના વડા, ખેડુતો, સમાજના વિવિધ આગેવાનો, કાર્યકર્તાઓને ઉપસ્થીત રહેવા ભોજરાજપરા ગૃપ ગોંડલના આયોજક ટીમ અમીતભાઇ પડાળિયા, જીગરભાઇ સાટોળિયા અને ઘનશ્યામભાઇ માલવિયાની યાદીમાં જણાવાયું છે.

(11:43 am IST)