સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

રણોત્સવના આયોજને સર્જ્યો વિવાદ: એક બાજુ કોરોના બીજી બાજુ સફેદરણમાં ભરાયેલા પાણી

*પ્રવાસન મંત્રી કહે છે, અત્યારે છૂટ પણ જો સ્થિતિ ખરાબ હશે તો રદ્દ કરીશું, ડિસેમ્બર સુધી પાણી સુકાય તેમ નથી, સદ્દભાગ્યે બન્ની, ખાવડા પંથકમાં કોરોના નથી, પણ રણોત્સવથી કોરોનાનો ડર

(ભુજ) છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડીયામાં કચ્છના રણોત્સવના આયોજનની જાહેરાતે અનેક સવાલો સાથે વિવાદ સર્જ્યો છે. રણોત્સવ યોજતી ખાનગી કંપની લલ્લુજી એન્ડ સન્સ દ્વારા બ્રોડકાસ્ટ કરાયેલી ૧૨ મી નવેમ્બરથી રણોત્સવ યોજવાની જાહેરાત સંદર્ભે કચ્છમાં ભારે ટીકા થઈ રહી છે. અત્યારે કોરોનાની મહામારી અને બીજી બાજુ રણમાં દરિયો ઘૂઘવે તેવા પાણી ભરાયા છે, ત્યારે નવેમ્બરમાં રણોત્સવ શરૂ થવો મુશ્કેલ છે. જોકે, પ્રવાસન ઉદ્યોગ માટે અત્યારે કટોકટી છે, તે વચ્ચે રણોત્સવના આયોજનથી કચ્છમાં પ્રવાસનને વેગ મળે એ વાત બરાબર છે. પણ, વર્તમાન સંજોગોમાં રણોત્સવનું આયોજન શક્ય છે ખરું? કચ્છનો બન્ની, ખાવડા વિસ્તાર હજી સુધી સદ્દભાગ્યે કોરોનાથી બચી શક્યો છે. પણ, રણોત્સવ દરમ્યાન સ્થાનિક લોકોમાં કોરોનાની મહામારીનો ભય રહેશે. બીજી બાજુ સ્થાનિકે રહેતા લોકોના જણાવ્યા પ્રમાણે અત્યારે ભારે વરસાદથી રણ એ દરિયામાં ફેરવાઈ ચૂક્યું છે. ત્યારે, રણની ભૌગોલિક પરિસ્થિતિને જોઈને ત્રણ મહિનામાં રણ માં પાણી સુકવા મુશ્કેલ છે. ગત વર્ષે પણ પ્રવાસીઓ  શરૂઆતના તબક્કામાં સફેદરણ નિહાળી નહોતા શક્યા. આવા સંજોગોમાં પ્રવાસીઓ માટે કચ્છનો અને ગુજરાતનો પ્રવાસ કડવો અનુભવ સાબિત થાય છે. એટલે, અત્યારે રણોત્સવની જાહેરાત એ કદાચ ઉતાવળે લેવાયેલું પગલું છે. જોકે, ભારે વિવાદ વચ્ચે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ મૌન તોડી બ્યાન આપ્યું છે કે, હજી ત્રણ મહિનાની વાર છે, હાલ છૂટ આપી છે, પણ જો સ્થિતિ વણસશે તો રણોત્સવ રદ્દ કરાશે.

(9:57 am IST)