સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

સાયલામાં મુખ્યમંત્રી સહાય યોજના કેમ્પમાં માર્ગદર્શન આપતા મંત્રીશ્રી બાવળીયા

સુરેન્દ્રનગર,તા. ૨૯:રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા સ્થિત એ.પી.એમ.સી. ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ૭૫ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ બની છે, રાજયનો ૫૮ ટકા વિસ્તાર સૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠત્ત્।મ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના પરીશ્રમથી ગુજરાત કૃષિ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં અગ્રિમ સ્થાન ધરાવે છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ગત વર્ષે રાજય સરકારે ૬,૩૦૦ કરોડના મૂલ્યના ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી કરી હતી. જેનો રાજયના ૬ લાખ જેટલા ખેડુતોને લાભ મળ્યો છે, તેમજ ખેડુતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર ચાર માસે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના હેઠળ ખેડુતોના ખાતામાં રૂપિયા ૨,૦૦૦ જમા કરાવવામાં આવે છે.

મંત્રીશ્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં ગુજરાત એક માત્ર રાજય છે કે, જેણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકીને સાચા અર્થમાં ખેડુતોની સમૃદ્ઘિ અને ઉન્નતિ માટે સતત કાર્ય કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ રાજયના નાના, સિમાંત અને મોટા તમામ ખેડુતોને મળવાપાત્ર છે.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી.વાદીએ સ્વાગત પ્રવચન કરી ખેતીવાડી વિભાગ દ્વારા ચાલતી વિવિધ ખેડુતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ નાયબ ખેતી નિયામકશ્રી ડી.એ.પટેલે આત્મા પ્રોજેકટ અંતર્ગત ચાલતી યોજનાઓની જાણકારી આપીને  આભારવિધી કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડા, મામલતદારશ્રી સાયલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાયલા આર.આર.સુથાર અગ્રણી સર્વશ્રી કાળુભાઈ, રણછોડભાઈ, જીલુભાઈ, મગનભાઈ, દ્યનશ્યામભાઈ અને ધીરુભાઈ સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:12 am IST)