સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

ત્રણ ભાઇબંધ માંડવી ચોરવા ઘુસ્યા, વાડીના માલિકે પીછો કરતાં ભાગ્યા, એક ગૂમ થયા બાદ લાશ મળી

કોટડા સાંગાણીનો ૨૦ વર્ષનો જીતુ ચારોલીયા ગુરૂવારે રાતે બીજા બે શખ્સો એભલ અને રણજીત સાથે ઘરેથી નીકળ્યો હતોઃ આ બે ગઇકાલે પરત આવી ગયા'તા જીતુની શોધખોળ થતાં સાંજે નદી કાંઠેથી મૃતદેહ મળ્યો : ભાગતી વખતે ડૂબી ગયાનું બંનેનું રટણ : જીતુ અકસ્માતે ડૂબ્યો કે કોઇએ ડૂબાડી દીધો? તે અંગે પોલીસની તપાસ : જીતુના મોત અંગે પરિવારજનોએ શંકા દર્શાવતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ તેના મિત્રો એભલ અને રણજીતની પુછતાછ

રાજકોટ તા. ૨૯: કોટડા સાંગાણીમાં રેસ્ટ હાઉસ પાસે મફતીયાપરામાં રહેતો જીતુ ખેંગારભાઇ ચારોલીયા (ઉ.વ.૨૦) નામનો દેવીપૂજક યુવાન પરમ દિવસે રાતે આઠ સાડાઆઠે પોતાના બે મિત્રો એભલ ચારોલીયા અને રણજીત વાઘેલા સાથે ઘરેથી નીકળ્યા બાદ ગઇકાલે સવારે આ બંને મિત્રો પરત આવી ગયા હતાં. પરંતુ જીતુ આવ્યો નહોતો. શોધખોળ થતાં ગામની નદી કાંઠાથી વીસેક ફૂટ દૂરથી તેની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. તેના બંને મિત્રો જીતુ ભાગતી વખતે નદીમાં પડી જતાં ડૂબી ગયાનું રટણ કરે છે. જીતુ અકસ્માતે ડૂબ્યો કે ડૂબાડી દેવાયો? તે અંગે પરિવારજનોએ શંકા દર્શાવતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

મૃત્યુ પામનાર જીતુ ચારોલીયા ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ તથા કુંવારો હતો. તે છૂટક મજૂરી કરતો હતો. તેના પિત્રાઇ ભાઇ વેલજીભાઇ ચારોલીયાએ જણાવ્યું હતું કે ગુરૂવારે રાતે જીતુને ગામના જ તેના બે મિત્રો એભલ અને રણજીત સાથે લઇ ગયા હતાં. ગઇકાલે શુક્રવારે સવારે આ બેય તો પાછા આવી ગયા હતાં. પરંતુ જીતુ આવ્યો નહોતો. પરિવારજનોએ આ બંનેને પુછતાછ કરતાં ગોળગોળ વાતો કરી હતી.

એ પછી પોલીસને જાણ કરવામાં આવતાં અને જીતુની શોધખોળ શરૂ કરવામાં આવતાં તેની લાશ ગામની નદીના કાંઠેથી મળી આવતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાઇ છે. તેના મિત્રો એભલ અને રણજીતે એવું રટણ કર્યુ છે કે રાતે ગામના સામા કાંઠે ત્રણેય મિત્રો એક વાડીમાં માંડવી ચોરવા ઘુસ્યા હતાં. એ વખતે વાડી માલિક આવી જતાં અને બેટરી ચાલુ કરી પીછો કરતાં ત્રણેય ભાગ્યા હતાં. ભાગતી વખતે પોતે બે મિત્રો સાથે રહ્યા હતાં અને જીતુ પાછળ રહી ગયો હતો. એ પછી તેને શોધ્યો હતો પણ મળ્યો નહોતો. આથી તે ઘરે પહોંચી ગયાનું સમજી પોતે પણ ઘરે જઇ સુઇ ગયા હતાં.

જો કે મૃતક જીતુના સ્વજનોએ જીતુ ખરેખર ભાગતી વખતે અકસ્માતે ડૂબી ગયો કે પછી તેને કોઇએ ડૂબાડી દીધો? તે અંગે શંકા દર્શાવતા પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પીએસઆઇ ગોલવેતરના કહેવા મુજબ હાલ જીતુના મિત્રોની પુછતાછ થઇ રહી છે. આ બંને બનાવ અકસ્માતે બન્યાનું  રટણ કરી રહ્યા છે. પણ પી.એમ. રિપોર્ટ બાદ આગળ તપાસ થશે.

મૃતકના સ્વજનો પાસે અંતિમવિધીના પણ પૈસા ન હોઇ રમણિકભાઇ પરમારે મદદ કરી

. મૃતક જીતુના પરિવારજનોએ પોતાની પાસે મૃતદેહની અંતિમવિધી માટે પણ પૈસાની વ્યવસ્થા ન હોવાનું કહેતાં સામાજીક કાર્યકર રમણિકભાઇ પરમારે તેમને મદદ કરી હતી અને મૃતદેહ પણ વિનામુલ્યે પોતાની શબવાહીની મારફત કોટડા સાંગાણી સુધી મુકી આવવાની અને અંતિમવિધી કરાવી આપવાની મદદ કરી હતી.

(11:31 am IST)