સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

ગાંધીધામના બેકીંગ સર્કલ પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો: ૪ જીવતા કારતૂસ પણ મળ્યા

પૂર્વ કચ્છ એસઓજીની કાર્યવાહી :અલ્ટો કાર સાથે ૧.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે

ગાંધીધામ : અહીંના બેકીંગ સર્કલ પાસેથી પૂર્વ કચ્છ એસઓજીએ એક શખ્સને ભારતીય બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીના કબ્જામાંથી ૪ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. અલ્ટો કારમાં સવાર આરોપીને દબોચીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

  પ્રાપ્ત વિગતો મુજબ સરહદી રેન્જના પોલીસ મહાનિરિક્ષક જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સૂચનાથી એસઓજી પીઆઈ વી.પી. જાડેજા, પીએસઆઈ બી.જે. જોષી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે બેકીંગ સર્કલ પાસેથી એક અલ્ટો કાર ઝડપી પાડી હતી જેમાં સવાર મનીષ જગદીશ બજારણીયા (ઉ.વ.ર૧) (રહે. હાલ બાગેશ્રી ટાઉનશીપ, વરસામેડી-અંજાર. મૂળ રહે. પાતોડી બાવળી, જિલ્લો. જોધપુર,  રાજસ્થાન) ને ઝડપી પડાયો હતો. આરોપીના કબ્જામાંથી ભારતીય બનાવટની રૂા.૧૦ હજારની કિંમતની એક પિસ્તોલ તેમજ ૪ જીવતા કારતૂસ કબ્જે કરાયા હતા. પોલીસે જીજે. ૧ર. ડીએસ. ૦પ૪ર નંબરની અલ્ટો કાર, એક મોબાઈલ ફોન મળીને કુલ ૧,૬૩,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી વિરૂધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટ્રર કરાવતા આગળની તપાસ પીએસઆઈ જે.એન. ચાવડાએ હાથ ધરી છે.

(5:34 pm IST)