સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

'ચિલ્લેકલા' પહેલા જ ઠંડીથી થરથરી રહી છે કાશ્મીરી ઘાટી

લદ્દાખમાં પણ કાતીલ ઠંડી, લેહમાં માઇનસ ૮ અને દ્રાસમાં માઇનસ ૧૨ ડીગ્રી

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુઃ કાશ્મીરમાં હજુ 'ચિલ્લેકલા' (ભયંકર ઠંડીની સીઝન)નું આગમન નથી થયું પણ કાશ્મીરીઓ અત્યારથી ઠંડીથી ચિલ્લાવા લાગ્યા છે. તેમને ચિંતા છે કે આ વખતે ચિલ્લેકલા દરમ્યાન કેવી ભયંકર ઠંડી પડશે. આવી જ હાલત લદ્દાખમાં છે જયાં લેહમાં તાપમાન શૂન્ય થી નીચે ૮ ડીગ્રી થઇ ગયું છે તો દ્રાસમાં એ શૂન્યથી નીચે ૧૨ ડીગ્રી છે.

કાશ્મીર અને લદ્દાખનાં મોટા ભાગના વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે જતો રહ્યો છે. સોમવારે પહેલા ગામ કાશ્મીરનું સૌથી ઠંડુ સ્થાન રહ્યું હતું. શ્રીનગરમાં આજે સવારે ઝાકળ હતી જયારે ગઇ રાત્રે તાપમાન શૂન્યથી ૨.૧ ડીગ્રી સેલ્સીયસ નીચે નોંધાયુ હતું. હવામાન વિભાગનું કહેવુ છે કે આ અઠવાડીયે જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણ સુકુ રહેશે. સાત ડીસેમ્બર સુધી હવામાનમાં કોઇ ફેરફાર નહીં દેખાય.

જમ્મુમાં પણ ઠંડી હવાઓના કારણે ઉષ્ણતામાનમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવામાન કચેરી અનુસાર, લઘુત્તમ તાપમાન વધુ નીચે આવી શકે છે કેમ કે વાતાવરણ સાત ડીસેમ્બર સુધી સુકું રહેવાની શકયતા છે.

અત્યારે તો ઠંડીમાંથી કોઇ રાહત મળવાની શકયતા નથી. આ વખતે એવુ અનુમાન છે કે ઠંડી પોતાનું ભયાનકરૂપ દેખાડી શકે છે. આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે કાશ્મીર કયારેક બરફના સુનામીમાંથી પસાર થાય છે તો કયારેક કાશ્મીરીઓ પુરમાં ફસાય છે.

(2:34 pm IST)