કેશોદ એસટી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતાં મુસાફર પર અજાણ્યા શખ્સનો હુમલો
સીસીટીવી તપાસના આધારે તપાસ
(સંજય દેવાણીદ્વારા) કેશોદ,તા.૨૮ : કેશોદ બસ ડેપોમાં કેશોદના એક પરિવાર અમદાવાદ જવા માટે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે હુમલો કરી ઈજાગ્રસ્ત કરતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરનાર શખ્સે દારૃના નશામાં હુમલો કર્યો હોવાનુ ચર્ચાઈ રહેલ છે.
કેશોદના અમદાવાદ જનાર મુસાફરે કેશોદ પોલીસ સ્ટેશન નાં ૧૦૦ નંબર કંટ્રોલ રૃમમાં જાણ કરતાં તાત્કાલિક પોલીસ કાફલો બસ સ્ટેન્ડ પર દોડી આવ્યા હતાં. કેશોદ બસ સ્ટેન્ડ માં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાનાં ફુટેજ તપાસી હુમલાખોરની ઓળખ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેશોદ બસ સ્ટેન્ડમાં રાત્રે મુસાફરો કરતાં વધુ પ્રમાણમાં લુખ્ખાઓ બેસવા પહોંચી જતાં હોય છે. કેશોદ એસટી ડેપોનાં અધિકારીઓ અને પોલીસ વિભાગ સંકલન કરી મુસાફરોની સલામતી માટે કડકાઈ થી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.