સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

ચોટીલા-મૂળી હાઇવે પર ઓયલ ટેન્કર પલ્ટી ગયું : ઓઇલ લેવા ગ્રામજનોએ પડાપડી કરી

ઢેઢુકી ગામ નજીક રસ્તા પર ઢોળાયેલ ઓઇલ તેમજ ટેન્કરમાંથી લીક થતું ઓઇલ લેવા માટે ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી

ચોટીલા-મૂળી હાઇવે પર ખાનગી કંપનીનું ટેન્કર લઈને જતા ટેન્કરને અકસ્માત નળ્યો હતો જેને કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું. પલટેલા ખાધેલા ટેન્કરમાંથી ઓઇલ રોડ પર ઢોળાઈ ગયું હતું જેને લેવા માટે આસપાસના ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી હતી.

ઓઈલનું ટેન્કર ઢેઢુકી ગામ નજીક પલટી ગયું હતું જેનો મેસેજ વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. જેને કારણે આસપાસના ગ્રામજનો જે વાસણ મળ્યું તે હાથમાં લઈને અકસ્માતની જગ્યાએ ઓઇલ લેવા પહોંચી ગયા હતા. રસ્તા પર ઢોળાયેલ ઓઇલ તેમજ ટેન્કરમાંથી લીક થતું ઓઇલ લેવા માટે ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી હતી

 . ટ્રક ચાલક દ્વારા ગ્રામજનોને ઓઇલ ન લેવા માટે રજુઆત કરી પરંતુ મોટી સંખ્યામાં ગ્રામજનો હોવાને કારણે કોઈએ ટેન્કર ચાલકની વાત માન્યા વિના જેટલું ઓઇલ મળ્યું તેટલું લઈને ચાલતી પકડી.

આખરે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની જગ્યાને કોર્ડન કરી પરિસ્થિતિને કાબુમાં લીધી અને ગ્રામજનોએ ઘટનાસ્થળથી દુર કર્યા હતા અને ટેન્કર ચાલકને પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ જામેલો છે જેને કારણે ટેન્કર રોડની સાઈડથી નીચે ઉતરી ગયું હતું અને પલટી ખાઈ ગયું હતું, જેને કારણે ઓઇલથી ખચોખચ ભરેલા ટેન્કરમાંથી ઓઈલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું

(1:39 pm IST)