સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

હજીરા ઘોઘા રો-પેક્‍સ ફેરી સર્વિસના કારણે ગુજરાતમાં નવા જળમાર્ગોથી અવરજવરની શક્‍યતા વધશે : નરેન્‍દ્રભાઇ

લોજિસ્‍ટીક ક્ષેત્રે વડાપ્રધાને DPA ની કામગીરી બિરદાવી : સુરત શહેરને દિવાળીની ભેટ મળી હોવાની લાગણી વ્‍યકત કરતા DPAના ચેરમેન એસ.કે.મેહતા : ટુંકા ગાળામાં હજીરા ઘોઘા વચ્‍ચે પોણા ત્રણ લાખ જેટલા પ્રવાસીઓ, ૨૫ હજાર ટ્રક, ૪૦ હજાર કાર અને ૧૫ હજાર ટુ વ્‍હીલરની હેરફેર, દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ભવિષ્‍યમાં ગુજરાતના અન્‍ય સ્‍થળોને પણ રો-પેકસ ફેરી દ્વારા જળમાર્ગે જોડવા માટેની યોજના

(વિનોદ ગાલા દ્વારા) ભુજતા.૩૦ : પોતાના બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમ્‍યાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઈએ રો-પેકસ ફેરી સર્વિસ માટે બનાવાયેલ હજીરા ટર્મિનલને ખુલ્લું મૂક્‍યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ હજીરા મધ્‍યે રો-પેક્‍સ ફેરી સર્વિસ માટે અતિ આધુનિક કાયમી ટર્મિનલ વિકસાવવા બદલ દીનદયાળ પોર્ટ કંડલાની કામગીરી અંગે આનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

વડાપ્રધાને વધુમાં જણાવ્‍યું હતું કે, હજીરા મધ્‍યે કાયમી ટર્મિનલ બનવાથી હવે ગુજરાતમાં નવા જળમાર્ગો વધવાની શક્‍યતા છે. હજીરા ઘોઘા વચ્‍ચે રોડ રસ્‍તે ૧૦ થી ૧૨ કલાક લાગે છે જયારે દરિયાઈ રસ્‍તે માત્ર ત્રણ થી ચાર કલાકમાં પહોંચી જવાય છે. આ ફેરી સર્વિસના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો અને સુરતના ઉદ્યોગકારો જોડાયા હોવાની લાગણી વ્‍યક્‍ત કરતા વડાપ્રધાને જણાવ્‍યું હતું કે, સુરતના વ્‍યાપારીઓ લોજિસ્‍ટિકનું મહત્‍વ જાણે છે.

નવી લોજિસ્‍ટિક પોલિસી અંતર્ગત અનેક સુવિધાઓ સરકાર વિકસાવી રહી છે. દરમ્‍યાન હજીરા ટર્મિનલ મધ્‍યે આયોજિત કાર્યક્રમમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) માં ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રના શીપીંગ મંત્રાલય દ્વારા અપાતા વિવિધ લક્ષ્યાંકોને પૂરા કરવા માટે DPA કટિબદ્ધ છે.

હજીરા મધ્‍યે ૭૦ કરોડના ખર્ચે બનેલ ટર્મિનલ સુરતવાસીઓ માટે દિવાળીની ભેટ છે. નવું ટર્મિનલ બનવાથી પ્રવાસીઓની સુવિધા પણ વધી છે. આ પ્રસંગે પોર્ટના ડેપ્‍યુટી કન્‍ઝર્વેટર કેપ્‍ટન પ્રદીપ મોહંતી, રાજેન્‍દ્ર પ્રસાદ, મુનીબ અંસારી, ફેરી સર્વિસના કોન્‍ટ્રાકટર ચેતનભાઈ, કેપ્‍ટન મંડરાલ, ગુજરાત મેરી ટાઇમ બોર્ડના કેપ્‍ટન લાડવા ઉપસ્‍થિત રહ્યા હોવાનું દીનદયાળ પોર્ટ ઓથોરિટીના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્‍યું હતું.

(10:18 am IST)