હરીયાણાના ગેંગરેપનો વોન્ટેડ આરોપી રહીશ મેવ ભાડલા પંથકમાંથી પકડાયો
હરીયાણા પોલીસ અને ભાડલા પોલીસે લોકેશનના આધારે દબોચી લીધોઃ નવ માસથી વોન્ટેડ રહીશ ગઢડીયા ગામે જેસીબી ચલાવતો’તો
(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ૨ :. હરીયાણા રાજયના ગેંગરેપના ગુન્હામાં વોન્ટેડ આરોપીને હરીયાણા પોલીસ અને ભાડલા પોલીસે દબોચી લીધો હતો. વોન્ટેડ આરોપી હરીયાણા પોલીસને ચકમો આપી ભાડલાના ગઢડીયા ગામે જેસીબી ચલાવતો હોવાનું ખુલ્યુ છે.
હરીયાણાના ગેંગરેપનો આરોપી ભાડલા પંથકમાં છુપાયો હોવાની બાતમી હરીયાણા પોલીસને મળતા હરીયાણા એલસીબીની ટીમે રૂરલ પોલીસની મદદ માંગતા એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ભાડલાના પીએસઆઈ એચ.ડી. હિંગરોજા તથા ટીમે હરીયાણા પોલીસની મદદમાં રહી વોન્ટેડ આરોપી રહીશ રમજાન મેવ રે. શાહપુર તા. ફિરોઝપુર, જેરકા જી. નુહ હરીયાણાને ભાડલાના ગઢડીયા જામ ગામેથી દબોચી લીધો હતો.
પકડાયેલ આરોપી રહીશ ગઢડીયા જામ ગામે જેસીબી ચલાવતો હોવાનું ખુલ્યુ છે. આરોપી રહીશ સહિત ત્રણ સામે હરીયાણામાં ગેંગરેપ અને પોસ્કો સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો છે.
આ કાર્યવાહીમાં ભાડલાના હેડ કોન્સ. અશ્વિનભાઈ માલકીયા તથા પો. કો. લાલજીભાઈ તલસાણીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.