સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

1973માં બનાવવામાં આવેલ 10 માળનું લકઝરીયસ ક્રુઝ જહાજને ભંગાવવા માટે ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લવાયુ

177 મીટર લાંબુ-25 મીટર પહોળુ-900 મુસાફરોની ક્ષમતા-300 ક્રુ મેમ્‍બરો રહી શકે તેવી સુવિધા

ભાવનગર: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે અલંગ રિસાયક્લિંગ યાર્ડ સૌથી વધુ પ્રભાવિત થયુ છે, વૈભવી સવલતો ધરાવતા ક્રુઝ જહાજ પર્યટન સ્થળોએ મુસાફરો માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, જેની સમાયવધી પૂર્ણ થતાં તેને ભંગાણ માટે મોકલવામાં આવતા હોય છે, આવુ જ એક જહાજ અલંગ ખાતે ભંગાણ અર્થે આવ્યું છે, 2020-21 દરમ્યાન નવમું ક્રુઝ જહાજ  અલંગની સફરે આવી પહોંચ્યુ છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતેના પ્લોટ નં-120 માં આ ટ્રોસ નામનું 10 માળનું લકઝરીયસ ક્રૂઝ જહાજ ભંગાવા માટે આવી પહોંચ્યું હતુ. ફિનલેન્ડ ખાતે આ જહાજ 1973માં બનાવવામાં આવ્યુ હતુ, અને સમયાંતરે તેમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા.

આ જહાજની ઉજવણી પ્રસંગે અનેક નવી આધૂનિક સુવિધાઓ વધારવામાં આવી હતી. આ જહાજ 177 મીટર લાંબુ, 25 મીટર પહોળું છે, આ ક્રૂઝ શિપની ક્ષમતા 900 મુસાફરોની છે, તથા 300 જેટલા ક્રૂ મેમ્બરો રહી શકે છે. જેમાં 420 કેબિનો આવેલી છે.

અગાઉ આ જહાજનું નામ અલ્બાટ્રોસ હતુ. 2020 ના વર્ષમાં તેને મધ્ય પૂર્વમાં તરતી હોટલ બનાવવા માટે ખરીદવામાં આવ્યુ હતુ, અને બાદ તે લાંબા સમય સુધી હરઘડા ખાતે પડ્યુ રહ્યું હતુ, અને અંતે તેને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ જહાજમાં અનેક આધુનિક સુવિધાઓ મોજૂદ છે, સ્વીમિંગ પૂલ, સિનેમા, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, 2 ડાઇનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, જીમ સહિતની અનેક સગવડો રહેલી છે. અલંગમાં વર્ષ 20-21 દરમ્યાન કોલમ્બસ, મેગેલાન, કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, સાલમી, મેટ્રોપોલીસ, માર્કોપોલો, લીઝર, જેવા અનેક જહાજ અંતિમ સફરે આવી ચૂક્યા છે.

(5:08 pm IST)