સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને આર્થિક ફટકો, સત્વરે સહાય આપવા વઘાસિયાની માંગ

મગફળી, કપાસ સહિતનો ઉભો પાક નિષ્ફળ જતા ખાતર-બિયારણનો ખર્ચ માથે પડયો

(વિનુ જોષી) જુનાગઢ તા.૩૧: કોરોનાની મહામારીમાંથી બહાર નિકળવા માટે મથી રહેલા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પર જાણે કે કુદરતે કોપ વરસાવ્યો હોય તેમ અતિવૃષ્ટિના કારણે મોટો આર્થિક ફટકો પડયો છે. જિલ્લાના અગ્રણી હરસુખભાઇ વઘાસિયાએ આ બાબતે રાજયના મુખ્યમંત્રી સમક્ષ દયા અરજી કરતા જણાવ્યું છે કે અનેક ખેડૂતોએ કરેલું ખરીફ સિઝનનું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે જયારે ઘણા ખેડૂતોને ઓછા-વધુ પ્રમાણમાં નુકસાની ગઇ છે. ત્યારે તંત્રને તાત્કાલિક સર્વે કરવાની સૂચના આપવાની માગણી કરવામાં આવી છે.

વઘાસિયાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે, તેમણે પોતે ગામડાઓમાં ફરીને કરેલા સર્વે અનુસાર જૂનાગઢ, મેંદરડા, ભેસાણ, વિસાવદર સહિતના વિસ્તારોમાં સવા સો ટકાથી વધારે વરસાદ વરસી ગયો છે. એકધારા આવેલા વરસાદના કારણે ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહ્યા છે. જેના કારણે ખેડૂતોએ ખરીફ સિઝનમાં વાવેતર કરેલ કપાસ, મગફળી સહિતના પાકને નુકસાની ગઇ છે. સેંકડો ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. જેના કારણે તેણે ખાતર, બિયારણ, વાવેતર માટેની મજૂરી સહિતનો ખર્ચ માથે પડયો છે. અનેક ખેડૂતોને જમીનના ધોવાણ થયા છે. ખેડૂતોને વિઘા દીઠ સરેરાશ આઠથી દસ હજાર રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. આવડો મોટો ફટકો ખેડૂતો આજના સમયમાં સહન કરી શકે તેમ નથી.

દેશમાં ખેડૂતની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી હવે અર્થવ્યવસ્થા સુધારવી શકય નથી. અલબત, કુદરત પર આપણા કોઇનું નિયંત્રણ હોતું નથી. કુદરતને દોષ આપવો પણ વ્યાજબી નથી. અત્યારે પણ જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો માટે હવે એકમાત્ર સરકારની સહાયની જ આશા છે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ટેકો આપવા તમામ તાલુકાઓમાં સર્વે કરાવીને યોગ્ય સહાય જાહેર કરવાની રજુઆત હરસુખભાઇ વઘાસિયા દ્વારા રાજય સરકાર સમક્ષ કરવામાં આવી છે.

(10:51 am IST)