સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

સાળંગપુર હનુમાન મંદિરનું FB એકાઉન્ટ થયુ હેકઃ હેકર્સે હોલિવુડ ફિલ્મ સહિતની પાંચ વીડિયો કિલપ અપલોડ કરી

હેકર્સે વિવિધ વીડિયો અપલોડ કરતા હજ્જારો શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ છે

અમદાવાદ, તા.૩૧: ગુજરાતના પ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિરનુ ફેસબુક (FB) એકાઉન્ટ કોઈ હેકર્સે હેક કરીને અકસ્માતગ્રસ્ત વિમાન અને હોલિવુડ ફિલ્મની વીડિયો સહીત કુલ પાંચ વીડિયો કિલપ એફબી એકાઉન્ટ ઉપર અપલોડ કરી છે. સાળંગપુર હનુમાન મંદિરના એફબી એકાઉન્ટ ઉપર હજારો શ્રધ્ધાળુઓ હનુમાનજીના દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે. હેકર્સે વિવિધ વીડિયો અપલોડ કરતા હજ્જારો શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ છે.

ગઈકાલે રવિવારે સાંજની આરતી સંપન્ન થયા બાદ, કોઈ હેકર્સે સાળંગપુર હનુમાનનુ સત્તાવાર ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હતું. ફેસબુક એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે તેના ઉપર હોલિવુડની ફિલ્મની વિડીયો કિલપ અને અકસ્માત થયેલા વિમાનનો પણ વીડિયો અપલોડ કર્યો છે. આ અંગે સાળગપુર હનુમાન મંદિર દ્વારા બોટાદ જિલ્લા પોલીસને પત્ર લખીને ફેસબુક એકાઉન્ટ હેક થયા અંગેની જાણ કરી છે. અને હેકર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. એફબી એકાઉન્ટ હેક કરીને અપલોડ કરેલ પાંચ વીડિયોથી શ્રધ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોચી છે.

(10:55 am IST)