સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

ભાવનગરના તંબોલી કાસ્ટીંગ કંપનીમાં ડિરેકટર બનવા બાબતે બે ઉદ્યોગપતિ ભાઇઓમાં ઝઘડોઃ છરી ઝીંકી દીધી

પેટના ભાગે ઇજા થતા વૈભવભાઇ સારવારમાં: મેહુલભાઇ ફરારઃ જૈન વણીક સમાજમાં ચકચાર

ભાવનગર, તા., ૩૧: ભાવનગરના તંબોલી કાસ્ટીંગ ઉદ્યોગ ગૃહમાં ડીરેકટર બનાવવા બાબતે ઉદ્યોગપતિ ભાઇઓના ઝઘડાએ જૈન વણીક સમાજ અને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. દરમ્યાન હુમલામાં  ઇજા પામનાર વૈભવ તંબોલી શહેરની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં છે જયારે ઇજા પહોંચાડનાર મેહુલ તંબોલી હજુ ઝડપાયા ન હોવાનું પોલીસે જણાવ્યું છે.

ઉદ્યોગ ઘરના ચર્ચાસ્દ બનેલા બનાવની વિગતો એવી છે કે શહેરનાં વિકટોરીયા પાર્ક સામે પાણીની ટાંકી નજીક રહેતા શહેરનાં અગ્રણી ઉદ્યોગપતિ મેહુલભાઇ બિપીનચંદ્ર તંબોલી ની વરતેજ પાસે આવેલ તંબોલી કાસ્ટીંગ કંપનીમાં શનિવારે સાંજે કંપનીની બોર્ડ મીટીંગ શરૂ હતી ત્યારે શહેરના હિલ ડ્રાઇવ વિસ્તારમાં પ્લોલટ નં. રર૯૪માં રહેતા તેના સગાભાઇ વૈભવભાઇ બિપીનચંદ્ર તંબોલી સાથે ડીરેકટર બાબતે બોલાચાલી થતાં આવેશમાં આવી મેહુલભાઇએ તેના ભાઇ વૈભવભાઇને છરીનો ઘા પેટના ભાગે ઝીંકી દેતા વૈભવભાઇને શહેરની ખાનગી બજરંગદાસ બાપા હોસ્પીટલમાં ખસેડાયેલ છે.  આ બનાવની જાણ થતા વરતેજ પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવે શહેરભરના ઉદ્યોગકારોમાં અને વણીક જૈન સમાજમાં ચકચાર જગાવી છે.

આ બનાવ અંગે ઉદ્યોગપતિનાં પિતા બીપીનચંદ્ર ફુલચંદ તંબોલીએ વરતેજ પોલીસ સ્ટેશનમાં તેના પુત્ર મેહુલભાઇ તંબોલી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૨૪  તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પો.સ.ઇ. એ.બી.ગોહીલ ચલાવી રહયા છે.

દરમ્યાન આજે સોમવારે સવાર સુધી મેહુલભાઇ તંબોલીની ધરપકડ થઇ ન હોવાનું વરતેજ પોલીસે જણાવ્યું હતું. જયારે વૈભવભાઇ  તંબોલી ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહયા હોવાનું જાણવા મળેલ છે. શહેરના નામાંકીત ઉદ્યોગ ગૃહના બે ભાઇઓ વચ્ચેના આ ઝઘડાએ ચર્ચા જગાવી છે.

(11:50 am IST)