સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

પાણી પુરવઠા મંત્રી બાવળીયાના હસ્તે

વિંછીયાના સોમલપર ગામે ઘેલા સોમનાથ ડેમના નીરના વધામણા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૩૧:  વિંછીયા તાલુકાના સોમલપર ગામે આવેલ અને ચાલુ વર્ષે મેઘમહેરને કારણે નવા નીરની આવકથી છલોછલ ભરાયેલ ઘેલા સોમનાથ સિંચાઇ ડેમ ખાતે નીરના વધામણા કરી પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ હર્ષ વ્યકત કર્યો હતો.ઙ્ગ

વર્ષ ૧૯૬૨માં તૈયાર થયેલ આ ડેમ ૭.૮૫ મીટરની ઉંડાઇ અને ૫.૮૯ મીલીયન દ્યનમીટર પાણીનો જથ્થો સમાવવાની ક્ષમતા ધરાવે છે. ઘેલા સોમનાથ સિંચાઇ યોજના અન્વયે વિંછીયા તાલુકાના સોમલપર, ભડલી, ગઢકા, વનાળા, સનાળા, વિરાવાડી ઉપરાંત ગઢડાના ૧૦ ગામોની ખેતીની જમીનને સિંચાઇનો લાભ મળે છે. આમ આ છેવાડાના વિસ્તારમાં ખેતી માટે આશીર્વાદરૂપ બનતો આ ડેમ આ વર્ષે મેઘરાજાની અસીમ કૃપાથી નવા નીરથી છલોછલ ભરાઇ ગયો છે તથા ૧૪૭ કયુસેક મીટર પાણી ઓવરફલો થઇ રહયો હોઇ પાણી પુરવઠામંત્રી બાવળીયાએ નાળીયેર અને ચુંદડીથી વિધિસર વધામણા કર્યા હતા.

નવા નીરથી છલોછલ ભરાયેલા ડેમને જોઇ હર્ષ વ્યકત કરતા મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે છેલ્લા ૬૦ વર્ષથી આ વિસ્તારની માંગણી અને લાગણીને ધ્યાને લઇને રાજય સરકાર દ્વારા અગાઉ ગઢડા સબ ડીવીઝનથી વહિવટ થતા આ ડેમનો વહિવટ હવેથી રાજકોટ ડિવિઝન હેઠળ થશે. આથી સીંચાઇને લગતા પાણી બાબતના પ્રશ્ને હવે ખેડૂતોને ગઢડા સબ ડિવિઝન પર નિર્ભર રહેવું નહીં પડે. આ ઉપરાંત નજીકના સમયમાં જસદણ ખાતે જ સિંચાઇ સબ ડિવિઝન શરૂ થતાં સિંચાઇને લગતી તમામ બાબતો હવે જસદણ ખાતેથી હલ કરી શકાશે. જેને આસપાસના વિસ્તારના ગ્રામ લોકોએ હર્ષભેર વધાવી હતી.

સોમલપર ગામના સરપંચ ખોડાભાઇ, જિલ્લા પંચાયતના સભ્ય મનુભાઇ ભોજાણી, સંઘના પ્રમુખ કાળુભાઇ, વિંછીયાના મામલતદાર આર.બી. દંગી, તાલુકા વિકાસ અધિકારી વી.આર.રાબા સહિત આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:58 am IST)