સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

વિસાવદર ગ્રામ્ય અને ગીર જંગલ વિસ્તારમાં ૧૦ ઇંચ વરસાદ : આંબાજળ -ધ્રાફડ ડેમમાં દરવાજા ખોલાયા : ધારી અંડરબ્રીજ પુલ સ્વીમીંગ પુલમાં ફેરવાયો

વિસાવદર તા.૩૧ : ગીરના પ્રવેશ દ્વાર વિસાવદર પંથકને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે જો કે,આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ હજુયે વરસાદી વાતાવરણ યથાવત છે.

વિસાવદર ગ્રામ્ય અને ગીર જંગલ વિસ્તારમાં દશ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

વિસાવદર નજીક સતાધાર ખાતે આવેલ આંબાજળ ડેમમાં ધસમસતા પાણીની સારી આવક થતા ચાર દરવાજા તથા ધ્રાફડ ડેમનાં બે દરવાજા ખોલવામાં આવ્યા હતા.

વિસાવદર-ધારી બાયપાસ અંડરબ્રીજમાં વીસથી પચ્ચીસ ફૂટ પાણી ભરાતા અંડરબ્રીજ સ્વીમીંગ પુલમાં ફેરવાયો હતો.

મોટી મોણપરી ગામમાંથી પસાર થતી ફુલઝર નદી,માંગનાથ પીપળી ગામમાંથી પસાર થતી ઓઝત નદી,રૂપાવટી ગામે પસાર થતી ઝાંઝેસરી નદી,જાંબુડા ગામમાંથી પસાર થતી બન્ને નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.

વિસાવદર શહેરમાંથી પસાર થતી પોપટડી-મહીયારી સહિત ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળા છલકાયા હતા.

વિસાવદર પંથકમાં વ્યાપક વરસાદના પરિણામે ખેડૂતોના મગફળી-કપાસ-તલ-અડદ-શાકભાજીના ઊભા પાકને ભારે નુકસાન થયું હતુ.

(1:08 pm IST)