સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

કચ્‍છનું પ્રસિદ્ધ હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદ-ઉલ્લાસઃ પરંપરા મુજબ રજા જાહેર કરાઇ

ભૂજ: ભૂજવાસીઓ ચોમાસાની સીઝનમાં જે બાબતની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડી આખરે આવી ગઈ છે. ભૂજનું હૃદયસમાન હમીરસર તળાવ (hamirsar lake)  આખરે ઓવરફ્લો થયું છે. પાંચ વર્ષ બાદ તળાવ છલકાતા ભૂજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભૂજમાં આ ખુશીમાં એક દિવસની જાહેર રજા પાડવામાં આવી છે. ઐતિહાસિક પરંપરા મુજબ જાહેર રજા પાડવામાં આવી છે. ક્ચ્છ કલેકટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આમ, કચ્છી માંડુઓમાં આનંદ છવાયો છે.

ભુજમાં બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે કચ્છ ધમધોખાર વરસાદ નોંધાયો છે. ત્યારે પાંચ વર્ષના વહાણ વીતી ગયા છતા હમીરસર તળાવ કોરુંધોકાર હતું. ત્યારે આખરે મોડી રાત્રે ભૂજનું હમીરસર તળાવ ઓવરફ્લો થયું હતું. મોડી રાત્રે 12 વાગ્યાના ટકોરે હમીરસર તળાવ છલકાયું હતું.

સ્થાનિક લોકોએ આ અંગેની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, કચ્છમા સચરાચર વરસાદ બાદ પણ ભૂજનું હાર્દસમુ હમીરસર ખાલી રહેતુ હતું અને છલકાયું નહોતું. પરંતુ કાલે રાત્રે ભૂજમાં થયેલા વરસાદથી ચાર વર્ષ બાદ આખરે આ વર્ષે તળાવ છલકાયું છે. જેનો આનંદ ખાલી ભૂજવાસીઓને જ નહિ, પરંતુ સમગ્ર કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા કચ્છીઓને ચોક્કસથી થતો હોય છે. આ હમીરસર તળાવ 2015માં છલકાયું ત્યારબાદ આજે છલકાયું છે. આ અંગે જે ભુજ વાસીઓને ખુશી છે આનંદની લાગણી છે.

તો હમીરસર છલકાવાની તૈયારીમાં છે તે જાણીને જ મોટી સંખ્યામાં લોકો આ ક્ષણને નિહાળવા પહોંચ્યા હતા. આથી ભૂજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના  ભાગરૂપે લાઈફ સેક્ટીના સાધનો રાખવામાં આવ્યા છે. હોડી દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહિ.

(5:47 pm IST)