સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 31st December 2021

જુનાગઢ જીલ્લામાં થર્ટીફર્સ્ટના સંદર્ભે પોલીસ દ્વારા ઠેર-ઠેર ખાસ ડ્રાઇવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૧મી ડીસમ્બર ના તહેવાર ને લઈને જૂનાગઢ રેંજના ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ખાસ ડ્રાઈવ નું આયોજન કરી, તમામ થાણા અમલદારોને કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ છે.

હાલમાં કોરોના વાયરસ નું સંક્રમણ ચાલુ જ છે, કોરોના ના વધતા જતા કેસોને ધ્યાને રાખીને અને તાજેતરમાં ૩૧ મી ડિસેમ્બર નો તહેવાર આવતો હોય, લોકો ઉજવણીના નામે રોડ ઉપર, પાર્ટી પ્લોટમાં, ફાર્મ હાઉસ ખાતે એકઠા થઈને સંક્રમણ ફેલાવાની શક્યતા હોઈ, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સાંજના સમયે જૂનાગઢ શહેર તેમજ તાલુકાના જુદાજુદા પોઇન્ટની ઉપર વાહન ચેકિંગ હાથ ધરી, દારૂ પીને વાહન ચલાવતાં ઈસમ તેમજ આરોપીઓને પકડવા માટે ખાસ વાહન ચેકિંગ હાથ ધરવા માટે સૂચના કરવામાં આવેલ છે તેમજ જિલ્લાના તમામ થાણા અમલદારોએ પોતાના વિસ્તારમાં પ્રોહીબીશન ની બદ્દી સાથે સંકળાયેલા દેશી તથા વિદેશી દારૂના બુટલેગરોને અવારનવાર ચેક કરી, તેઓ ઉપર કેસ કરવા માટે પણ ખાસ સુચના કરવામાં આવેલ છે. જે અન્વયે જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝન ડીવાયએસપી જે.બી.ગઢવી તથા માંગરોળ ડિવિઝન ડીવાયએસપી જે.ડી. પુરોહિત ના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી દેશી તથા વિદેશી દારૂના બુટલેગર ઉપર તમામ થાણા અમલદારો દ્વારા અવારનવાર રેઈડો કરી, દેશી તેમજ વિદેશી દારૂના કેસો શોધી કાઢવામાં આવેલ છે. ઉપરાંત, વાહન ચેકિંગ દરમિયાન ખાસ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી, વાહન ચાલકોને ચેક કરવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હોય, જ્યારે જ્યારે જુદા જુદા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે ત્યારે બ્રેથ એનેલાઇઝર નો ઉપયોગ કરી, દારૂ પીને વાહન ચલાવતા ઈસમોને પકડવા માટે કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત, શહેર વિસ્તારમાં હોટલ તથા ધાબા ચેક કરી, કોઈપણ વ્યકિતઓ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હશે, તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લાના મેંદરડા, સાસણ, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના બીજા વિસ્તારોમાં આવેલ ફાર્મ હાઉસ ઉપર પણ ખાસ વોચ તથા ચેકીંગ હાથ ધરવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત જિલ્લાની શરૂ થતી અને પુરી થતી હદ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ ખાસ ચેકપોસ્ટ ઉભી કરી, આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરી, નશાખોરને પકડી પાડવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે.

(12:50 pm IST)