સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 31st December 2021

મોરબી તાલુકા સેવાસદનમાં આધારકાર્ડની ઓફીસ બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા.

મોરબીની આધારકાર્ડની ટીમને ગાળા ગામે સેવાસેતુના કાર્યક્રમમાં મોકલી દેવાતા સેવાસદન ખાતે અરજદારોને થયા ધરમના ધક્કા

મોરબીના સામાકાંઠે તાલુકા સેવાસદનમાં આધારકાર્ડની ઓફીસમાં લાલીયાવાડી ચાલતી હોવાની ગંભીર બાબત સામે આવી છે. જેમાં સુક્રવારે મોડે સુધી આધારકાર્ડની ઓફીસ ખુલી જ ન હતી. તેથી પરિવાર સાથે આધારકાર્ડની કામગીરી માટે આવેલા વૃદ્ધો અને મહિલાઓ ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા. જો કે ગાળા ગામે સેવાસેતુના કાર્યક્રમમાં આધારકાર્ડની ટીમ ગઈ હોવાથી આ ઓફીસ બંધ રહી હોવાનું મામલતદારે જણાવ્યું હતું.

મોરબીમાં સામાન્ય રીતે તમામ સરકારી કચેરીઓ દરરોજ સવારે ૧૧ વાગ્યા સુધીમાં ખુલી જતી હોય છે. અને સમયસર સરકારી કચેરીઓ શરૂ કરવાનો નિયમ પણ હોવા છતાં આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. જેમાં મોરબીના તાલુકા સેવાસદનમાં આવેલી આધારકાર્ડ ઓફિસમાં લાલીયાવાડી ચાલતી હોય એમ સવારના ૧૧ ને બદલે બપોરના ૧૨ થવા આવ્યા છતાં ઓફીસ ખુલી જ ન હતી. તેથી આધારકાર્ડની કામગીરી માટે દૂર-દૂરથી આવેલા વૃદ્ધો અને મહિલાઓએ ભારે હેરાન થયા હતા. આ ઉપરાંત આજુબાજુની કચેરીમાં આ અંગે પૂછવા છતાં યોગ્ય જવાબ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
દરમિયાન આ મામલે ગ્રામ્ય મામલતદાર ડી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના ગાળા ગામે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબીની આધારકાર્ડ ઓફિસની ટીમ પણ ત્યાં ગઈ હતી.એટલે મોરબીની આધારકાર્ડ ઓફિસની ત્રણે-ત્રણ ટીમ ગાળા ગામે મોકલી દેવાતા આ ઓફીસ બંધ રહી હતી.જ્યારે જ્યારે કોઈને કોઈ જગ્યાએ સેવાસેતુ હોય ત્યારે આધારકાર્ડની ઓફીસ બંધ રહે છે. પણ ઓફીસ બંધ રહેવાની અગાઉથી જાહેરાત ન કરતા દૂર દૂર ગામડાના લોકો આધારકાર્ડ માટે મોરબી આવે છે.પણ ઓફીસ જ બંધ હોય ધરમના ધક્કા થાય છે.

(11:32 pm IST)