સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 31st December 2021

ઈ-શ્રમ કાર્ડમાં સર્વર ડાઉનના ધાંધિયા વચ્ચે મોરબીમાં રોજગારી પત્રો અને એપ્રેન્ટીસશીપ યોજનાઓના કરારપત્રો એનાયત.

મોરબી : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબીના ટાઉનહોલ ખાતે ગુરુવારે જિલ્લા રોજગાર કચેરી તેમજ જિલ્લા શ્રમઆયુક્તની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં રોજગાર કચેરી દ્વારા પ્રાથમિક પસંદગી પામેલા ૪૮૬ યુવાઓ અને ૫૨૦ જેટલા તાલીમાર્થીઓને એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ કરારપત્રો મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી વિકાસની નવી દિશા અને નવી તકો મળી રહી છે. દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી મહત્વની છે ત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રોજગાર કચેરીના માધ્યમથી ખાનગી એકમોમાં રોજગાર પામેલ તેમજ એપ્રેન્ટીસશીપ યોજના હેઠળના તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રંસગે આસીસટન્ટ લેબર કમિશ્નર ડી.જે. મહેતા એ મોરબી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડની ચાલી રહેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધી ૭૦ હજાર જેટલી ઇ-શ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા છે. આ કાર્ડ થકી અસંગઠીત ક્ષેત્રના કામદારોને ૨ લાખ રૂપિયા સુધીનું વિમા કવચ મળે છે જેથી જે લોકો ઇ-શ્રમ કાર્ડથી વંચીત છે તેમને કાર્ડ કઢાવવા પ્રેરિત કરવા અને આંગણી ચીંધ્યાનું પુણ્ય મેળવી લેવા અનુરોધ કર્યો હતો.
ઈ શ્રમિક કાર્ડ કાઢવામાં સર્વર ડાઉન થતા લાભાર્થીઓ પરેશાન
આજે મોરબીમાં રોજગાર દિવસ નિમિતે ઈ શ્રમિક કાર્ડ સ્થળ પર કાઢવાનું આયોજન કરાયું હતું જોકે સર્વર ડાઉન રહેતા લાભાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આવા જ એક લાભાર્થી જયંતીભાઈ લક્ષ્મણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે તેના દિવ્યાંગ સાળી માટે તેઓ ઈ શ્રમ કાર્ડ કઢાવવા આવ્યા છે પરંતુ સર્વર ડાઉન હોવાનું જણાવે છે અને ચાલતું નથી અને ચાલુ થાય ત્યારે કાર્ડ કાઢી આપશે તેવો જવાબ મળ્યો હતો
ટેકનીકલ સમસ્યા છે તે દુર કરવામાં આવશે : ડી જે મહેતા
આ અંગે આસિસ્ટન્ટ લેબર કમિશનર ડી જે મહેતાએ જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં ઈ શ્રમ કાર્ડ કાઢવાનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે રજીસ્ટ્રેશન સાઈટમાં તકલીફ હોવાનું જાણવા મળ્યું છે જે સમસ્યાનું નિવારણ લવાશે અને ટેકનીકલ સમસ્યા હશે તે દુર કરીને લોકોને ઈ શ્રમ કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

(11:56 pm IST)